‘ચંદ્રયાન-2’એ ચંદ્રમાની ધરતી પર પાણીનો-બરફ શોધી કાઢ્યો

બેંગલુરુઃ ભારતની અવકાશ સંશોધન સંસ્થા ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના ચંદ્રયાન-2 અવકાશયાને ચંદ્રમાની ધરતીના જે ભાગમાં કાયમ અંધારું જ રહે છે ત્યાં પાણીનો બરફ હોવાનું શોધી કાઢ્યું છે. ચંદ્રયાન-2 પરથી આ વિશેની માહિતી ઈસરોના વિજ્ઞાનીઓને ઉપલબ્ધ થઈ છે. હાલ ઈસરો સંસ્થામાં બે-દિવસીય ચંદ્ર વિજ્ઞાન (લુનાર સાયન્સ) વર્કશોપ ચાલી રહી છે, તે દરમિયાન આ જાણકારી અપાઈ હતી. ચંદ્રયાન-2 પરના ઈમેજિંગ ઈન્ફ્રારેડ સ્પેક્ટ્રોમીટર (IIRS) પરથી મળેલી માહિતીનું અવલોકન કરાયા બાદ માલુમ પડ્યું છે કે ચંદ્રની ધરતી પર પાણી હોવાનું સ્પષ્ટ થયું છે. IIRS ચંદ્રયાન-2 પર બેસાડવામાં આવેલું એક સાધન છે. વૈશ્વિક વૈજ્ઞાનિક ડેટા પ્રાપ્ત કરવા માટે એને 100 કિ.મી. ધ્રુવીય કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યું છે.

ચંદ્ર પરના સંપૂર્ણ અંધકારમય ભાગ પર હજી સુધી કોઈ અવકાશયાન પહોંચી શક્યું નથી, કારણ કે ત્યાં સુધી સૂર્યનો પ્રકાશ પહોંચતો નથી. તેને પરિણામે એ ભાગની તસવીરો પાડવાનું મુશ્કેલ છે. દરમિયાન, ચંદ્રયાન-2 અવકાશયાને ચંદ્ર ગ્રહની ફરતે 9,000 ચક્કર પૂરા કરી લીધા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]