શું ઝીકા વાઈરસ ડેંગ્યૂ, ચિકનગુનિયા કરતાં અલગ છે?

મુંબઈઃ ઝીકા, ડેંગ્યૂ અને ચિકનગુનિયા – આ ત્રણેય બીમારીના લક્ષણો વચ્ચેના ફરકને સમજવાની જરૂર છે. આ બીમારીઓનું વહેલું નિદાન થાય તો એની ગંભીર અસરમાંથી બચી શકાય છે. આ ત્રણેય વાઈરસ ચેપી મચ્છરો દ્વારા ફેલાય છે.

ઝીકા વાઈરસ

ચેપી મચ્છરના ડંખથી ઝીકા વાઈરસ બીમારી થાય છે. જેને ઝીકા વાઈરસનો ચેપ લાગે એ વ્યક્તિથી બીજી વ્યક્તિને પણ ચેપ લાગી શકે છે.

લક્ષણોઃ હળવો તાવ આવવો, શરીરે ફોડલીઓ થાય, આંખો લાલ થાય કે કન્જક્ટિવાઈટીસ થાય, સ્નાયૂઓ અને સાંધાઓમાં દુખાવો થાય, માથું દુખે, બેચેની લાગે.

ડેન્ગ્યૂ

આ પણ મચ્છરને કારણે થતી ચેપી બીમારી છે. જે બીજી અનેક બીમારી લાવી શકે છે. ચોમાસા દરમિયાન અનેક જગ્યાએ સર્જાતા ગંદા પાણીના ખાબોચિયા મચ્છરોની ઉત્પત્તીના સ્થાન બને છે અને એને કારણે ડેન્ગ્યૂનો ખતરો વધે છે.

લક્ષણોઃ સખત તાવ આવે, શરીર પર ફોડલીઓ કે લાલ રંગના ચાઠા થાય, શરીરના સાંધા જકડાઈ જાય, સ્નાયૂઓ દુખે, માથું દુખે, પેટમાં દુખે, અત્યંત થાક લાગે, લોહીમાં પ્લેટલેટ્સ ઘટી જાય.

ચિકનગુનિયા

આ પણ ચેપી મચ્છરોથી ફેલાતી બીમારી છે, પણ તે માનવીમાંથી બીજા માનવીમાં પણ ફેલાય છે.

લક્ષણોઃ ઓચિંતો સખત તાવ ચડે, સ્નાયૂ અને સાંધાઓમાં દુખાવો થાય, આંખોમાં કન્જક્ટીવાઈટીસ થાય, ઉલટીઓ થાય.

ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા કરતાં ઝીકા વાઈરસ બીમારી બાળકોમાં તેમજ ગર્ભવતી સ્ત્રીઓને થવાનું જોખમ વધારે રહે છે.