નવી દિલ્હીઃ દેશના ડિસેમ્બરમાં મોંઘવારીમાં થોડી રાહત મળી છે. ડિસેમ્બરમાં દેશમાં રિટેલ મોંઘવારી દર ઘટીને 5.72 ટકા થયો છે, જે આ પહેલાંના નવેમ્બરમાં 5.88 ટકા હતો. સતત ત્રીજા મહિને રિટેલ મોંધવારી દરમાં ઘટાડો નોંધાયો હતો. વળી, આ સતત બીજો મહિનો છે, જેમાં મોંઘવારીનો દર રિઝર્વ બેન્કના નક્કી કરેલા લક્ષ્ય 2થી છ ટકાની વચ્ચે રહ્યો છે.
ડિસેમ્બરમાં મોંઘવારીના દરમાં ઘટાડો અર્થશાસ્ત્રીઓના અંદાજો કરતાં વધુ ઘટ્યો છે. અર્થશાસ્ત્રીઓએ ડિસેમ્બરમાં મોંઘવારીનો દર 5.9 ટકા અંદાજ્યો હતો. ડિસેમ્બરમાં રિટેલ મોંઘવારીનો દર ઘટવાનું મુખ્ય કારણ ખાદ્ય પદાર્થોની કિંમતોમાં થયેલા ઘટાડાને આભારી છે. ડિસેમ્બરમાં ફૂડ ઇન્ફ્લેશન દર ઘટીને 4.19 ટકા રહ્યો હતો, જે ગયા વર્ષના ડિસેમ્બરમાં 4.67 ટકા રહ્યો હતો.
ડિસેમ્બરમાં શાકભાજીની કિંમતોમાં 15 ટકા ઘટાડો જોવા મળ્યો હતો અને એ પહેલાં નવેમ્બરમાં એમાં આઠ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ફૂડ ઇન્ફ્લેશનમાં ઘટાડો સામાન્ય જનતા માટે રાહતના સમાચાર છે, કેમ કે એક ટકા ભારતીય પરિવારના બજેટનો એક હિસ્સો એના માટે ખર્ચ થાય છે.
જોકે રિટેલ મોંઘવારના દરની ગણતરીનું બેઝ યર હવે 2012 નક્કી કરવામાં આવે છે. કિંમતોનો એ ડેટા 114 શેહી બજાર અને 1181 ગ્રામીણ બજારોથી એકત્ર કરવામાં આવે છે. 2022માં મોંઘવારીનો દર સતત ઊંચો રહેતા દેશના રાજકારણમાં ગરમાટો આવ્યો હતો. છેલ્લા કેટલાક ત્રિમાસિકમાં RBI દ્વારા મોંઘવારીમાં કાબૂ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે.