નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ મુજબ 2019માં માનવ વિકાસ સૂચકાંકમાં ભારત એક સ્થાન આગળ આવ્યું છે અને 189 દેશોની વચ્ચે ભારત 129માં સ્થાન પર પહોંચ્યું છે. યુએનડીપીની ભારતમાં સ્થાનિક પ્રતિનિધિ શોકો નોડાએ કહ્યું કે, ભારતમાં 2005-06થી 2015-16 વચ્ચે 27.1 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર કાઢવામાં આવ્યા. જોકે, અત્યારે ભારતની સ્થિતિ સારી નથી કારણ કે, ભારત હજુ પણ શ્રીલંકા, ઈરાન તેમજ ચીન જેવા દેશોથી ઘણું પાછળ છે. તો પાડોશી દેશ પાકિસ્તાન આ યાદીમાં 3 પાયદાન ઉપર ચઢવામાં સફળ રહ્યું જ્યારે બાંગ્લાદેશ 2 સ્થાન ઉપર ચઢ્યું.
ગયા વર્ષે ભારતનું રેંકિંગ 130 હતું. ત્રણ દાયકાથી તેજીથી વિકાસને કારણે આ પ્રગતિ થઈ છે,જેના કારણે ગરીબીમાં ઘટાડો થયો છે. સાથે જ આયુષ્યમાં વધારો, શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓમાં વધારાને કારણે પણ રેન્કિંગમાં સુધારો થયો છે.
માનવ વિકાસ સૂચકાંક શું છે?
હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એ જીવન આયુ, શિક્ષણ અને આવક સૂચઆંકોનું એક સંયુક્ત આંકડાકીય સૂચકાંક છે. આ પદ્ધતિ અર્થશાસ્ત્રી મહબબ-ઉલ-હક દ્વારા ઘડવામાં આવી હતી. 1990 માં પ્રથમ માનવ વિકાસ સૂચકાંક બહાર પાડવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી) દ્વારા આને પ્રકાશિત કરવામાં આવે છે.
પાકિસ્તાન 3 સ્થાન ઉપર ચઢયું
ભારતના પાડોશી દેશો બાંગ્લાદેશ અને પાકિસ્તાનની એચડીઆઈ વેલ્યૂ અનુક્રમે 0.608 અને 0.562 છે. બાંગ્લાદેશની રેન્કિંગ 134 છે, જ્યારે પાકિસ્તાનની રેન્કિંગ 147 છે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ મુજબ, બીજા કોઈ ક્ષેત્રે આટલી ઝડપથી માનવ વિકાસની પ્રગતિ કરી નથી. સૌથી વધુ પ્રગતિ દક્ષિણ એશિયામાં થઈ છે, જ્યાં 1990–2018 દરમ્યાન તે 46 ટકા વધ્યો હતો, જ્યારે પૂર્વ એશિયા અને પેસિફિક ક્ષેત્રમાં 43 ટકાની વૃદ્ધિ થઈ હતી.
નોર્વે, સ્વિટ્ઝરલેન્ડ એચડીઆઈ રેન્કિંગમાં ટોચ પર
નોર્વે, સ્વિટ્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ અને જર્મની રેન્કિંગમાં ટોચનું સ્થાન ધરાવે છે, જ્યારે નાઇજર, દક્ષિણ આફ્રિકી ગણરાજ્ય, દક્ષિણ સુદાન,ચાડ અને બરુન્દી એચડીઆઈના નીચી વેલ્યૂ ધરાવતાં દેશોમાં સામેલ છે. ભારતની એચડીઆઈ વેલ્યૂ (0.640) દક્ષિણ એશિયાની સરેરાશ 0.638 ની સરખામણીએ થોડી ઉપર છે.