નવી દિલ્હીઃ ગયા અઠવાડિયે ગુજરાતમાં ફૂંકાઈ ગયેલા ચક્રવાતી વાવાઝોડા ‘બિપરજોય’નો સામનો કરવામાં લોકો તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટના જવાનોએ કરેલા પ્રયત્નોની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ની આજે 102મી આવૃત્તિમાં સરાહના કરી હતી.
મોદીએ કહ્યું કે, છેલ્લા અમુક વર્ષોથી ભારતનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક દ્રષ્ટાંત બની ગયું છે. દરિયાઈ વાવાઝોડા બિપરજોયએ ગુજરાતના કચ્છ જિલ્લામાં ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે, પરંતુ કચ્છનાં લોકોએ પૂરી બહાદુરી અને સજ્જતા સાથે એનો સામનો કર્યો હતો. સૌથી મોટું ધ્યેય હાંસલ કરવાનું આવે કે સૌથી કઠિન પડકાર ઝીલવાનો આવે ત્યારે ભારતનાં લોકોનું સહિયારું બળ અને સહિયારી શક્તિ દરેક મુશ્કેલીને હંફાવી દે છે.