ભારત વિશ્વનો સૌથી મોટો અનાજ ઉત્પાદક દેશ બનશેઃ ડોભાલ

દહેરાદૂનઃ દેશ ખાદ્ય પદાર્થોને મામલે આત્મનિર્ભર છે. એ દેશના ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકોની મહેનતનું પરિણામ છે. આગામી 10 વર્ષોમાં ભારત વિશ્વનો સૌથી મોટો ખાદ્ય ઉત્પાદક બની જશે, એમ કૃષિ અને ટેક્નોલોજી યુનિવર્સિટીના 34મા દીક્ષાંત સમારંભમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે જણાવ્યું હતું. આ પ્રસંગે તેમને ડીલિટ (D.Litt)ની માનદ્ ડિગ્રી આપવામાં આવી હતી.

તેમણે કહ્યું હતું કે દેશના વિભાજન સમયે 22 મિલિયન ખેતીલાયક જમીન પાકિસ્તાન પાસે જતી રહી હતી. ત્યારે અનેક લોકોએ કહ્યું હતું કે હવે ભારત 35 કરોડની વસતિને ભોજન નહીં ઉપલબ્ધ કરાવી શકે. આઝાદીના સમયે દેશમાં 50 મિલિયન અનાજનું ઉત્પાદન થતું હતું, પણ આજે વધીને 340 મિલિયન ટન થઈ ગયું છે. વૈજ્ઞાનિકોને કારણે દેશ અનાજ ઉત્પાદનમાં આત્મનિર્ભર જ નથી થયો, પણ અન્ય દેશોને પણ ઉપલબ્ધ કરાવી રહ્યો છે. આ એક મોટી ઉપલબ્ધિ છે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ભારતની અપેક્ષાએ ચીનનું ક્ષેત્રફળ ઘણું વધુ છે, પરંતુ ત્યાં માત્ર 15 ટકા ભાગમાં ખેતી થાય છે. આપણે આપણું ઉત્પાદન હજી વધારવું પડશે. તેમણે આગામી 10 વર્ષોમાં દેશને અનાજ ઉત્પાદનમાં વિશ્વમાં સર્વશ્રેષ્ઠ બનાવવાનું આહવાન કર્યું હતું.

તેમણે કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું કે તમે એમાં સંશોધન કરીને અનાજ ઉત્પાદનમાં વધારાના પ્રકારોની શોધ કરો. તેમણે કહ્યું હતું કે તમે દેશની સરહદે તહેનાત જવાનોની જેમ યોદ્ધા છો. તમે મબલક અનાજ ઉત્પાદનની શોધ કરીને લોકોનું પેટ ભરી રહ્યા છો. તમારા પડકારો ઓછા નથી. દેશ જેટલું વધુ અનાજ ઉત્પાદન કરશે, તેટલી આપણે વિશ્વને નિકાસ કરી શકીશું, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]