તુર્કીમાં ભૂકંપગ્રસ્તોને ભારત મદદ પૂરી પાડશેઃ મોદી

બેંગલુરુઃ તુર્કીમાં આવેલા ભયાનક ભૂકંપ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે ભૂકંપગ્રસ્તોને ભારત શક્ય એ તમામ મદદ કરવા તૈયાર છે. વડા પ્રધાને બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીક-2023 કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં આમ કહ્યું હતું.

વડા પ્રધાને કહ્યું કે, તુર્કીમાં ભૂકંપ આવ્યાના અને એને કારણે અનેક લોકો મૃત્યુ પામ્યાના તેમજ ઘણું નુકસાન થયાના અહેવાલો આવ્યા છે. તુર્કીની બાજુના દેશોમાં પણ નુકસાન થયું છે. ભારત તમામ ભૂકંપગ્રસ્ત લોકો પ્રતિ પોતાની સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરે છે. ભારત ભૂકંપગ્રસ્તોને શક્ય એટલી તમામ મદદ કરવા તૈયાર છે.

નવા અહેવાલ મુજબ, તુર્કી અને સીરિયામાં આજે વહેલી સવારે 7.8ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો હતો. બંને દેશમાં મળીને 568 જણ માર્યા ગયા છે. તુર્કીના ઉપપ્રમુખ ફુઆત ઓક્તાયના જણાવ્યા મુજબ, દેશના 10 પ્રાંતમાં ભૂકંપને કારણે 2,300થી વધારે લોકો ઈજા પામ્યા છે અને 1,700 જેટલા મકાનો જમીનદોસ્ત થયા છે. ભૂકંપ દક્ષિણ તૂર્કી અને ઉત્તર સીરિયાના વિસ્તારોમાં આવ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]