હવે હશે આપણું પોતાનું સ્પેસ સ્ટેશનઃ ISRO ચીફની મોટી જાહેરાત

નવી દિલ્હીઃ ભારત હવે પોતાનું સ્પેસ સ્ટેશન સ્થાપશે. ઈસરો ચીફ ડો. કે સિવને આ જાહેરાત કરી, સિવને કહ્યું કે, ભારત પોતાનું સ્પેસ સ્ટેશન લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગગનયાન મિશનનો જ એક ભાગ હશે. સિવને જણાવ્યું કે માનવ અંતરિક્ષ મિશનના લોન્ચ બાદ આપણે ગગનયાન કાર્યક્રમને જાળવી રાખવો પડશે. તેના કારણે ભારત તેનું સ્પેસ સ્ટેશન તૈયાર કરવાની યોજના બનાવી રહ્યું છે.

મહત્વનું છે કે, આ અગાઉ ઈસરોના પ્રમુખે કહ્યું હતું કે, ડિસેમ્બર 2022 સુધીમાં અંતરિક્ષમાં મનુષ્યને મોકલવાનું ભારતનું લક્ષ્ય છે. તેમણે કહ્યું હતું કે, ગગનયાન પ્રોજેક્ટની મદદથી આ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળતા મળશે. જો આપણે નક્કી કરેલા સમયની અંદર આ લક્ષ્ય સિદ્ધ કરી લેશું તો આપણો દેશ વિશ્વનો ચોથો એવો દેશ હશે જે પોતના દમ પર અંતરિક્ષ યાત્રિઓને અંતરિક્ષમાં મોકલી શકશે. ગગનયાન પ્રોજેક્ટની જાહેરાત ગત વર્ષે વડાપ્રધાન મોદીએ કરી હતી.

હાલના સમયમા માત્ર બે સ્પેસ સ્ટેશન છે. અમેરિકા અને રશિયાએ 1998માં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બનાવ્યું હતું. ઘણાં અન્ય દેશો પણ તેના નિર્માણમાં જોડાતા ગયા. જોકે કન્ટ્રોલ્સ અને મોડ્યુલ્સનો ખર્ચ અમેરિકા જ ઉઠાવે છે. 18 દેશોના 230 લોકો ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જઈ ચુક્યા છે. તે ધરતીથી લગભગ 400 કિમી ઉંચાઈ પર સ્થિત છે. અને 28 હજાર કિમીની ગતિથી ફરે છે. આ સિવાય ચીન પણ 2 સ્પેસ સ્ટેશન લોન્ચ કરી ચૂક્યું છે. ચીને 2011માં તેનું પ્રથમ સ્પેસ સ્ટેશન તિયાંગોંગ-1 લોન્ચ કર્યું હતું. તેને 2 વર્ષ માટે તૈયાર કરવામાં આવ્યું હતું. તે 1 એપ્રિલ 2018 એ ધરતી પર પડીને નષ્ટ થઈ ગયું હતું. ચીને 2016માં તિયાંગોંગ-2 લોન્ચ કર્યું હતું. ચીન 2022 સુધી તિયાંગોંગ-3ને લોન્ચ કરવાની પણ યોજના બનાવી રહ્યું છે.