નવી દિલ્હીઃ કોરોનાના આ સંકટકાળના કારણે ભારત આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહ્યું છે. કોરોના વાયરસનો સામનો કરવામાં પીપીઈ (પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ) કિટ મુખ્ય સુરક્ષા કવચ છે. પીપીઈ કિટ કોરોના વોરિયર્સને કોરોના સંક્રમણથી બચાવે છે અને માત્ર બે મહિનામાં ભારત દુનિયામાં સૌથી વધારે પીપીઈ કીટ બનાવનારો બીજો દેશ બની ગયો છે.
સરકારે જાણકારી આપી કે, ભારત બે મહિનાથી ઓછા સમયની અંદર પીપીઈ કિટનો બીજો સૌથી મોટો મેન્યુફેક્ચરર દેશ બની ગયો છે. આ ક્ષેત્રમાં ભારતની આગળ માત્ર ચીન છે. ચીન પીપીઈ કીટ બનાવતો સૌથી મોટો દેશ છે.
કાપડ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, તેણે પીપીઈ કીટની ગુણવત્તા અને માત્રા બંન્નેમાં સુધારો કરવા માટે કેટલાય પગલા ભર્યા છે. આ જ કારણ છે કે, ભારત બે મહિનાથી પણ ઓછા સમયમાં પીપીઈ કીટનો બીજો સૌથી મોટો નિર્માણકર્તા દેશ બની ગયો છે. મંત્રાલયે એ સુનિશ્ચિત કરવા માટે પણ પગલા ભર્યા છે કે, માત્ર પ્રમાણિત કંપનીઓ જ પીપીઈ કિટની આપૂર્તિ કરે. હવે કપડા સમિતિ, મુંબઈ પણ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને અન્ય કોરોના વોરિયર્સ માટે આવશ્યક પીપીઈ કીટનું પરિક્ષણ કરશે.