નવી દિલ્હી-આતંકી કેમ્પોને નષ્ટ કરવા માટે પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને ભારતીય વાયુ સેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈકની દેશ સહિત વિદેશમાં પણ ચર્ચા ચાલી રહી છે.
સૂત્રોનું માનીએ તો, આ ચર્ચાઓ વચ્ચે બુધવારે વાયુસેનાએ કેન્દ્ર સરકારને એર સ્ટ્રાઈક સાથે જોડાયેલ તમામ પુરાવાઓ સોંપી દીધા છે. આ પુરાવાઓમાં તમામ તસવીરો પણ સરકારને સોંપવામાં આવી છે. સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે, વાયુસેના દ્વારા કરેલા મોટા ભાગના હુમલાઓ યોગ્ય ટાર્ગેટ પર લાગ્યા હતાં.
સૂત્રોના જણાવ્યા અનુસાર વાયુસેનાએ સરકારને 12 પાનાંનો રીપોર્ટ આપ્યો છે. જેમાં વાયુસેનાએ બાલાકોટની તે સમયની હાઈ રિઝોલ્યુલેશન તસવીરો પણ જમા કરાવી છે. જોકે, આ રીપોર્ટ સાર્વજનિક કરવામાં આવશે કે નહીં તે અંગેનો અંતિમ નિર્ણય મોદી સરકાર દ્વારા લેવામાં આવશે.