નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા નક્કી કરેલા નવા નિયમો અનુસાર હવે કોઈ પણ બિન-સરકારી સંસ્થા (NGO) દ્વારા વિદેશમાંથી ફંડ મેળવવા માટે તેમના કર્મચારીઓ તેમજ અધિકારીઓએ સરકાર સમક્ષ સાબિત કરવું પડશે કે, તેમના પર ધર્માતરણ મામલે કોઈ પણ કેસ નથી થયો, અથવા તો આ મામલે તેમને દોષી નથી ઠેરવવામાં આવ્યાં.
સોમવારે સરકાર દ્વારા જાહેર કરાયેલ અધિસૂચનામાં વિદેશી યોગદાન નિયમ 2011માં ફેરફાર જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, હવેથી વ્યક્તિગત મળેલી 1 લાખ રૂપિયા સુધીની ખાનગી ગિફ્ટની જાહેરાત નહીં કરવી પડે. આ પહેલા 25,000 રૂપિયાથી વધુની કિંમતની ગિફ્ટની જાહેરાત કરવી ફરજીયાત હતી.
અધિસૂચના અનુસાર, કોઈ પણ NGOના પદાધિકારીઓ તથા મુખ્ય અધિકારીઓ તેમજ સભ્યોએ કોઈ પણ ધર્મપરિવર્તન અથવા સાંપ્રદાયિક તણાવ અથવા વૈમનસ્ય ફેલાવવા માટે તેમને આરોપી કે દોષિત ઠેરવવામાં નથી આવ્યા એવું પ્રમાણિત કરવુ ફરજીયાત કરી દેવામાં આવ્યું છે.
વળી, હવેથી, માત્ર અરજદાર જ નહીં, એનજીઓના દરેક સભ્યએ જાહેર કરવું પડશે કે, તેઓ ક્યારેય વિદેશી ભંડોળ ‘ડાયવર્ટ’ કરવા અથવા ‘દેશદ્રોહ’નો પ્રચાર કરવા અથવા હિંસક પદ્ધતિઓની હિમાયત’ કરવામાં સામેલ થયા નથી.
નવા નિયમોમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, વિદેશ યાત્રા દરમિયાન ઉભી થતી કોઈ પણ મેડિકલ ઈમરજન્સી માટે કોઈ NGOના સભ્યની વિદેશમાં સારવારની સૂચના એક મહિનાની અંદરમાં સરકારને આપવી પડશે. સભ્યને ફંડનો સ્ત્રોત, ભારતીય ચલણમાં અનુમાનિત કિંમત, ઉદેશ્ય તેમજ ફંડનો ઉપયોગ કરવાની પદ્ધતિની પણ માહિતી આપવી પડશે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા 5 વર્ષ દરમિયાન નરેન્દ્ર મોદીની સરકારે NGO માટે વિદેશી ફંડ પ્રાપ્ત કરવા સંબંધિત નિયમો તથા પ્રક્રિયાઓ કડક કરી દીધી છે. કથિતરીતે નિયમોનું ઉલ્લંઘન કરવા માટે લગભગ 1800 NGO પર વિદેશમાંથી ફંડ પ્રાપ્ત કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે.