નવી દિલ્હીઃ દેશ આખામાં ખળભળાટ મચાવી દેનાર શ્રદ્ધા વાલ્કરની હત્યાના આરોપી તેના બોયફ્રેન્ડ આફતાબ પૂનાવાલાએ પોતે કરેલા નિર્દય ગુનાની આખરે કોર્ટમાં કબૂલાત કરી છે. આજે આરોપી આફતાબને દિલ્હીની સાકેત કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી સુનાવણી માટે હાજર કરવામાં આવ્યો હતો. એ વખતે તેણે કોર્ટને કહ્યું કે, ‘મેં ગુસ્સામાં આવીને મારી પ્રેમિકા શ્રદ્ધાની હત્યા કરી હતી અને બાદમાં એનાં મૃતદેહના ટૂકડા કર્યા હતા. બધું થોડીક ક્ષણોમાં જ બની ગયું હતું.’ આ કેસની તપાસમાં પોતે પોલીસને સહકાર આપશે એની ખાતરી પણ એણે કોર્ટને આપી હતી. મુંબઈનિવાસી 28 વર્ષના આફતાબે મુંબઈ નજીકના વસઈ શહેરની વતની અને 27 વર્ષની શ્રદ્ધાની હત્યા કર્યા બાદ એનાં મૃતદેહનાં 35 ટૂકડા કર્યા હતા. એ ટૂકડાને એણે મોટા ફ્રીઝમાં ત્રણ અઠવાડિયા સુધી રાખી મૂક્યા હતા અને થોડાક ટૂકડાને દક્ષિણ દિલ્હીના મેહરૌલી વિસ્તારના એક જંગલ જેવા ભાગમાં તો બીજા થોડાક ટૂકડાને એક તળાવમાં ફેંક્યા હતા.
આફતાબની ધરપકડ કરાયા બાદ સ્થાનિક કોર્ટે એને પાંચ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો. પાંચ-દિવસની મુદત આજે પૂરી થતાં એને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે આફતાબને વધુ ચાર દિવસ માટે પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. આનો અર્થ એ છે કે દિલ્હી પોલીસ આ કેસમાં હજી વધારે કંઈક આંચકાજનક જાણકારી આપે એવી ધારણા છે.