નવી દિલ્હીઃ ભારતીય કોસ્ટ ગાર્ડે (ICGએ) આંદામાન સાગરમાં એક માછલી પકડતી નૌકામાંથી આશરે પાંચ ટન ડ્રગ્સની ખેપ જપ્ત કરી છે, એમ સંરક્ષણ અધિકારીઓએ આ માહિતી આપી હતી. અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન છે.
આંદામાનના દરિયામાં માછીમારીની નૌકામાંથી લગભગ પાંચ ટન ડ્રગ્સના કન્સાઇનમેન્ટને ભારતીય કોસ્ટ ગાર્ડે પકડી પાડ્યું છે. પ્રાપ્ત માહિતીને આધારે દિલ્હી NCBની ટીમે નેવીનો સંપર્ક કરીને એક ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં મધદરિયે એક બોટને આંતરવામાં આવી હતી. આ ઓપરેશનમાં ગુજરાત ATSની ટીમ અને ગુજરાત NCBના કેટલાક અધિકારીઓ પણ જોડાયા હોવાનું જાણવા મળ્યું છે.
સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અત્યાર સુધીનો આ સૌથી મોટો ડ્રગ જપ્ત હોવાની સંભાવના છે. આ જપ્તી માફિયાઓની વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી એક મોટી ઝુંબેશનો ભાગ છે. જોકે ડ્રગ્સના પ્રકાર અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત વિશે હજુ સુધી માહિતી આપવામાં આવી નથી. આ કેસમાં પૂછપરછ અને ધરપકડ અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. સંરક્ષણ અધિકારીઓએ કહ્યું કે આ મામલાની તપાસ બાદ જ માહિતી આપવામાં આવશે. હજુ 10 દિવસ પહેલાં જ 15 નવેમ્બરે ગુજરાતના પોરબંદર દરિયાકાંઠેથી 500 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું, જેની કિંમત 700 કરોડ રૂપિયાથી વધુ હતી. આ ડ્રગ્સ દિલ્હી NCB, ગુજરાત NCB, કોસ્ટ ગાર્ડ, અને નેવીની મદદથી ઝડપાયું હતું.