નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાને આ વર્ષે દશેરાના દિવસે એટલે કે 8 ઓક્ટોબરે પ્રથમ રફાલ ફાઈટર જેટ મળે તેવી શક્યતા છે. પ્રથમ રફાલને લેવા માટે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પોતે ફ્રાન્સ જશે. આ સ્થિતિમાં હવે સવાલ એ છે કે, વિશ્વના સૌથી આધુનિક મનાતા ફાઈટર જેટ રફાલને ભારતમાં કોણ ઉડાવશે? કારણ કે, સામાન્ય ફાઈટર પ્લેન કરતાં રફાલની ટેકનિક અલગ છે અને સ્પીડ પણ ગજબની છે, જેથી વાયુસેના નિયમિત પાયલટો માટે આ ફાઈટર જેટ ઉડાવવું અઘરૂં બને એમ છે.
જો કે, રફાલ વિમાન ભારતીય વાયુસેનામાં સામેલ થાય એ પહેલાં જ વાયુસેનાએ કેટલાક પસંદ કરેલા પાયલટોને આ ફાઈટર ઉડાડવાની તાલીમ આપવાનું શરુ કરી દીધું હતું. આ પાયલટોની ટ્રેનિંગ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.
રફાલની અત્યાધુનિક ટેકનોલોજીને ધ્યાનમાં રાખતા વાયુસેનાએ એને ઉડાવવાની જવાબદારી ગોલ્ડન એરો-17 સ્કવાડ્રનને સોંપવાનો નિર્ણય કર્યો છે. આ જ યૂનિટ ફ્રાન્સથી પ્રથમ ખેપમાં મળનારા રફાલ ફાઈટર જેટને ઉડાવશે.
મહત્વનું છે કે, ગોલ્ડન એરો-17 સ્કવાડ્રનની રચના 1951માં થઈ હતી અને વર્ષ 1999માં થયેલા કારગીલ યુદ્ધમાં વાયુસેનાના પ્રમુખ બી. એસ. ધનોઆએ આ સ્કવાડ્રનનું નેતૃત્વ સંભાળ્યું હતું. ધનોઆ જ ફરીથી આ સ્કવાડ્રનને શરુ કરશે. આ સ્કવાડ્રન હેવીલેન્ડ વેમ્પાયર એફ એમકે-52 જેવા જૂના લડાકૂ વિમાનો પણ ઉડાવી ચૂકી છે.
ભારતને મળનારા પ્રથમ રફાલને વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવતા અંબાલા એરફોર્સ સ્ટેશન પર તૈનાત કરવામાં આવશે. આ એરફોર્સ સ્ટેશનથી પાકિસ્તાનની સરહદ માત્ર 220 કિલોમીટર દૂર છે. રફાલ વિમાનની ગોઠવણ માટે અંબાલા એરફોર્સ સ્ટેશન ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને પાયલટોની ટ્રેનિંગ પણ પૂર્ણ થઈ ગઈ છે.