મથુરાથી વડાપ્રધાને શરુ કરી સિંગલ યુઝ પ્લાસ્ટિક બેનની ઝુંબેશ

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમને લોન્ચ કર્યો છે. તેમણે કહ્યું કે નવા જનાદેશ બાદ કૃષ્ણની નગરીમાં પ્રથમવાર આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ વખતે આખા ઉત્તર પ્રદેશના આશિર્વાદ મને અને મારા સાથીઓને મળ્યા છે. દેશહિતમાં આપના આ નિર્ણય માટે હું વ્રજભૂમિથી આપની સામે શીશ નમાવું છું. આપના આદેશને અનુરુપ ગયા 100 દિવસોમાં અમે અભૂતપૂર્વ કામ કરીને બતાવ્યું છે. મને વિશ્વાસ છે કે દેશના વિકાસ માટે આપનું આ સમર્થન અને આશીર્વાદ અમને મળતા રહેશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું, કે વ્રજભૂમિએ હંમેશાથી આખા વિશ્વ અને પૂરી માનવતાને પ્રેરિત કરી છે. આજે આખું વિશ્વ પર્યાવરણ સંરક્ષણ માટે રોલ મોડલ શોધી રહ્યું છે, પરંતુ ભારત પાસે ભગવાન શ્રીકૃષ્ણ જેવા પ્રેરણા સ્ત્રોત હંમેશાથી રહ્યા છે જેમની કલ્પના જ પર્યાવરણ પ્રેમ વગર અધૂરી છે. પ્રકૃતિ, પર્યાવરણ અને પશુધન વિના જેટલા અધૂરા આપણા આરાધ્ય દેખાઈ રહ્યા છે, એટલું અધૂરાપણું આપણને ભારતમાં પણ દેખાશે. પર્યાવરણ અને પશુધન હંમેશાથી ભારતના આર્થિક ચિંતનનો મહત્વપૂર્ણ ભાગ રહ્યા છે.

તેમણે કહ્યું, સ્વચ્છ ભારત હોય, જળ જીવન મિશન હોય અથવા કૃષિ અને પશુપાલનને પ્રોત્સાહન, પ્રકૃતિ અને આર્થિક વિકાસમાં સંતુલન બનાવીને જ આપણે સશક્ત અને નવા ભારતના નિર્માણની તરફ આગળ વધી રહ્યા છીએ. આજે “સ્વચ્છતા જ સેવા” ઝુંબેશની શરુઆત થઈ છે. નેશનલ એનીમલ ડિસીઝ કન્ટ્રોલ પ્રોગ્રામને પણ લોન્ચ કરવામાં આવ્યો છે. પશુઓના સ્વાસ્થ્ય, પોષણ, ડેરી ઉદ્યોગ, અને કેટલીક અન્ય પરિયોજનાઓ પણ શરુ થઈ છે. આ સિવાય મથુરાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પર્યટન સાથે જોડાયેલી ઘણી પરિયોજનાઓનો પણ શુભારંભ થયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]