ચેન્નાઈ: કલ્કિ આશ્રમના સંચાલક કલ્કિ ભગવાન અને તેમના પુત્ર કૃષ્ણાના કેટલાક ઠેકાણાઓ પર આવકવેરા વિભાગની ટીમના છેલ્લા 3 દિવસથી દરોડા ચાલી રહ્યા છે. ચેન્નાઈ, બેંગ્લુરુ અને આંધ્રપ્રદેશના ચિતૂરની સાથે સાથે 40 અન્ય સ્થળો પર પણ દરોડામાં આવકવેરા વિભાગે 43.9 કરોડ રૂપિયા, 25 લાખ ડોલર અને 1271 કેરેટ (કિંમત અંદાજે 5 કરોડ રૂપિયા) હીરા જપ્ત કર્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 500 કરોડ રૂપિયાની બેનામી આવકની પણ જાણકારી સામે આવી છે.
આવકવેરા વિભાગના દરોડા દરમ્યાન ઘટસ્ફોટ થયો છે કે, અધ્યાત્મ અને દર્શનનો ટ્રેનિંગ પ્રોગ્રામ અને કોર્સ ચલાવનાર આ સંસ્થાન દેશ અને વિદેશમાં પણ રોકાણ ધરાવે છે. કેટલીક કંપનીઓ ચીન, અમેરિકા, સિંગાપુર અને યૂએઈમાં પણ છે. સંસ્થાને ભારતમાં થતાં વેલનેસ કોર્સિસ માટે વિદેશમાંથી પણ ભંડોળ મળે છે. આવકવેરા વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, આ ગ્રુપ દ્વારા ટેક્સવાળી આવકને ડાયવર્ટ કરવા મામલે તપાસ કરવામાં આવી રહી છે.
દેશ વિદેશમાં કરોડો રૂપિયાનું રોકાણ
મળતી માહિતી મુજબ આ ગ્રુપને 1980માં કલ્કિ ભગવાને બનાવ્યું હતુ. અધ્યાત્મના નામ પર શરુ કરવામાં આવેલુ આ ગ્રુપ હવે રિયલ એસ્ટેટ, કન્સ્ટ્રક્શન, સ્પોર્ટ્સ વગેર જેવા ક્ષેત્રોમાં દેશ તેમજ વિદેશમાં પણ રોકાણ કરે છે. વર્તમાનમાં આ ગ્રુપને કલ્કિ ભગવાન અને તેમના પુત્ર કૃષ્ણા ભગવાન દ્વારા ચલાવવામાં આવે છે. ટ્રેનિંગ પ્રોગ્રામ માટે આવતા લોકો પાસેથી મસમોટી રમક વસૂલવામાં આવે છે. એક અધિકારીએ જણાવ્યું કે, લોકો તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં મોટા પાયે જમીન ખરીદવા માટે ફંડ ડાયવર્ટ કરતા હતા.
આવકવેરા વિભાગની પ્રાથમિક તપાસ અનુસાર નાણાકીય વર્ષ 2014-15 માટે 409 કરોડ રૂપિયાની બેનામી આવક હોવાની જાણકારી મળી છે.