નવી દિલ્હી– પુલવામા હુમલાનો વળતો જવાબ આપવા માટે ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઇક અનેક આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધાં હતાં. આ મિશન માટે ભારતીય વાયુસેનાએ અનેક દિવસો સુધી અભ્યાસ કર્યો હતો. હુમલો ક્યારે કરવાનો છે… કેવી રીતે તેને પાર પાડવો.. તેની કોઈને ગંધ પણ આવી દીધી નહોતી. આ સીક્રેટ મિશન વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત વાયુ સેનાના સીનિયર અધિકારી અને માત્ર પાયલટ જ જાણતા હતા. સમાચાર એજન્સી ન્યૂઝ18 ઈન્ડિયાએ આ એર સ્ટ્રાઇકને અંજામ આપનારા બે પાયલટો સાથે એક્સક્લૂસિવ વાતચીત કરી. આ બંનેએ નામ ન જણાવવાની શરતે બાલાકોટમાં એર સ્ટ્રાઇકની સમગ્ર કહાની જણાવી છે.
ઘણા દિવસો સુધી કરવામાં આવ્યો અભ્યાસ
26 ફેબ્રુઆરીએ સવારે 2 વાગ્યાથી 4 વાગ્યાની વચ્ચે મિરાજે સર્જિકલ સ્ટ્રાઇક માટે એરબેઝથી ઉડાન ભરી હતી. ટાર્ગેટ હતો બાલાકોટમાં જૈશનો આતંકી અડ્ડો. પાયલટે જણાવ્યું કે સ્ટ્રાઇકના થોડા દિવસો પહેલા જ તેમની ટ્રેનિંગ શરૂ થઈ ગઈ હતી. ભારતીય વાયુસેનાના મિરાજ 2000ના ત્રણેય સ્ક્વાર્ડન તેની પ્રેક્ટિસ કરી રહ્યા હતા.
મિશન પર જનારા પાયલટને જાણકારી નહોતી
કોઈને ખબર નહોતી કે કોણ તે મિશન માટે જવાનું છે. મિરાજ પ્લેન સતત ઉડાન ભરી રહ્યા હતા અને પોતાના ટાર્ગેટ સુધી પહોંચવા માટે અભ્યાસ કરી રહ્યા હતા. તે સમયે પ્લેનમાં કોઈ પણ પ્રકારના પેલોડ નહોતા લાગ્યા. જે દિવસે એર સ્ટ્રાઇક થવાની હતી, તેના એક દિવસ પહેલા જ સાંજે ચાર વાગ્યાની આસપાસ એરક્રાફ્ટ મેન્ટેનન્સ ટીમને જણાવવામાં આવ્યું કે મિરાજમાં કયા કયા બોમ્બ અને મિસાઇલ લગાવવામાં આવશે. સ્પાઇસ 2000 અને ક્રિસ્ટલ મેજ બોમ્બને અલગ અલગ જેટમાં લોડ કરવામાં આવ્યા હતા.
પાયલટોએ પરિજનોને પણ નહોતું જણાવ્યું
6-6 મિરાજ પ્લેનોના બે પેકેજ માટે જે 12 પાયલટોની પસંદગી થઈ હતી, તેમાંથી એક પાયલટે જણાવ્યું કે આમ તો તૈયારી રોજ થઈ રહી હતી અને તેઓ કોઈ મિશનનો હિસ્સો બનવા માટે તૈયાર રહેતા હતા, પરંતુ જે સમયે તેમને આ મિશન માટે પસંદ કરવામાં આવ્યા તો તેઓ ખૂબ ઉત્સાહિત હતા. જોકે, તેઓ પરિવાર અને મિત્રોની સામે સામાન્ય વ્યવહાર કરી રહ્યા હતા. જેના કારણે આ મિશનને ગુપ્ત રાખી શકાય. આ મિશનની સફળતા તેની ગોપનિયતા પર ટકી હતી અને તે ભારતીય વાયુસેના માટે સૌથી મોટો પડકાર હતો જેને યોગ્ય રીતે અંજામ આપવામાં આવ્યો હતો.
બોમ્બ ફેંકીને તરત પરત પાછું આવી જવાનું હતું
પાયલટોએ એ તો ન જણાવ્યું કે તેઓ એલઓસી પાર કરીને કેટલા અંદર સુધી ગયા હતા, પરંતુ એ ચોક્કસ જણાવ્યું કે તેઓ નિયત કરેલા ટેકટિકલ રૂટને ફોલો કરતાં પોતાના ટાર્ગેટ સુધી પહોંચ્યા હતા. જે 6 મિરાજને સ્પાઇસ બોમ્બ ફેંકવાના હતા તેના માટે સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા હતા કે બોમ્બ ડ્રોપ કરીને તાત્કાલીક પરત ફરવાનું છે. પાયલટોએ બિલકુલ એમ જ કર્યું.
60થી 90 સેકન્ડમાં પરત આવ્યાં
એક પાયલટે જણાવ્યું કે ટાર્ગેટની પાસે પહોંચતા જ પહેલાથી જ પ્રોગ્રામ કરેલા સ્પાઇસ બોમ્બ તેમણે રિલીઝ કરી દીધા અને માત્ર 60થી 90 સેકન્ડમાં તે ભારતીય સીમાની પાસેના એરફીલ્ડમાં લેન્ડ કરી દીધું. આ મિરાજના પેકેજ પર ભારતીય વાયુસેનાના બીજા પ્લેન પણ સતત નજર રાખી રહ્યા હતા અને સપોર્ટ પણ આપી રહ્યા હતાં.
એરસ્ટ્રાઈક પછી બે દિવસ સુધી ઊંઘતા રહ્યાં પાયલટ
બંને પાયલટોને જ્યારે પૂછવામાં આવ્યું કે સ્ટ્રાઇક બાદ તેમણે શું કર્યું હતું? આ સવાલના જવાબમાં તેમનું કહેવું હતું કે તેઓ બે દિવસ સુધી બસ આરામ કરતા રહ્યાં અને ઊંઘતા રહ્યાં. હકીકતમાં તેઓ સતત અભ્યાસના કારણે ઘણાં થાકી ગયાં હતાં. પરંતુ જેવા મિરાજની એર સ્ટ્રાઇકમાં સામેલ થવાની વાત સામે આવી તો તેમના પરિવારે ફોન અને વોટ્સઅપ પર કોલ કરવાનું શરૂ કરી દીધું. પરંતુ આ બંનેએ પોતપોતાના ફોન બંધ કરી દીધાં હતાં. એટલું જ નહીં પાયલટોએ સ્ટ્રાઇક પહેલાં અને બાદમાં કોઈ પ્રકારની રજા પણ નહોતી લીધી.
બોમ્બ ક્યાં ફેંકવાના હતાં તે પહેલાંથી જ નક્કી હતું
એક પાયલટે જણાવ્યું કે બોમ્બ સમગ્રપણે પહેલાથી જ પ્રોગ્રામ કરવામાં આવ્યાં હતાં, જે ટાર્ગેટ તેમાં સેટ કરવામાં આવ્યો હતો તે જીપીએસથી કનેક્ટ હતો. બોમ્બને પહેલાંથી જ નિયત કરેલા સ્થળે રિલીઝ કરવામાં આવ્યો. કારગિલ યુદ્ધ દરમિયાન કેટલીક તસવીરો એવી જોવામાં આવી હતી જેમાં બોમ્બ પર પાકિસ્તાન માટે કોઈક સંદેશ લખેલા હોય છે. પરંતુ જ્યારે પાયલટોને પૂછવામાં આવ્યું કે શું સ્પાઇસ બોમ્બ ઉપર પણ પાકિસ્તાન માટે કંઈક લખવામાં આવ્યું હતું તો તેમણે જણાવ્યું કે સ્પાઇસ બોમ્બ એટલો આકર્ષક છે કે તેની પર કંઈ લખવાનું મન નથી થતું. ભારતીય વાયુસેનાએ 5 સ્પાઇસ બોમ્બને બાલાકોટમાં લોન્ચ કર્યા હતાં.