પંચકૂલા હિંસા કેસ: ગુરમીતની દત્તક પુત્રી હનીપ્રીતને જામીન મળ્યા

પંચકૂલાઃ પંચકૂલા કોર્ટે જેલમાં સજા કાપી રહેલી ડેરાસચ્ચા સૌદાના ચીફ રામરહીમની દત્તક પુત્રી હનીપ્રીત ઇન્સાનને જામીન મંજૂર કર્યાં હતાં. 2017માં હિંસાના કેસમાં ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમની દત્તક પુત્રી હનીપ્રીત ઇન્સાનને બુધવારે જામીન મળ્યાં છે. ગયા શનિવારે અહીંની અન્ય કોર્ટે હિંસાના મામલે તેની સામેના દેશદ્રોહના આરોપોને રદ કર્યા હતાં.

નોંધપાત્ર છે કે, બળાત્કારના કેસમાં ડેરા પ્રમુખને દોષી ઠેરવ્યાં બાદ હિંસામાં 30થી વધુ લોકો માર્યા ગયાં હતાં અને 200થી વધુ લોકો ઘાયલ થયાં હતાં. બચાવ પક્ષના વકીલ આર એસ ચૌહાણે જણાવ્યું હતું કે એક લાખ રૂપિયાના બોન્ડ પર હનીપ્રીતને જામીન આપવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે અંબાલા જેલમાં બંધ હનીપ્રીતને બુધવારે સાંજે જેલમાંથી બહાર નીકળવા દેવાઈ હતી.

તેમણે વધુમાં કહ્યું કે, ‘પંચકૂલા મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ,  રોહિત વત્સની અદાલતમાં કલમ 145, 146, 120-બીની જામીનપાત્ર કલમોના કારણે હનીપ્રીતને જામીન અપાયાં છે. શનિવારે એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ સંજય સંધીર દ્વારા રાજદ્રોહના આરોપો હટાવાયાં બાદ હનીપ્રીતે જામીન અરજી કરી હતી, જેના પગલે સેશન્સ કોર્ટે આ કેસ પંચકૂલાની સીજેએમ કોર્ટમાં પાછો મોકલી આપ્યો હતો. બુધવારે તેની સુનાવણી થઈ હતી અને જામીન અપાયા હતા. પંચકૂલા પોલિસે હિંસાના મામલે હનીપ્રીત અને અન્ય ડેરા સમર્થકો સામે દેશદ્રોહ અને ગુનાહિત કાવતરાના આરોપ હેઠળ ગુનો નોંધ્યો હતો.