નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલને લઈને સર્જાયેલો વિવાદ અને વિરોધ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. પ્રાપ્ત વિગતો અનુસાર ગૃહમંત્રી અમિત શાહે પોતાનો શિલોન્ગ પ્રવાસ રદ્દ કર્યો છે. અમિત શાહ નોર્થ ઈસ્ટ પોલીસ એકેડમીના પ્રવાસે શિલોન્ગ જવાના હતા. જો કે મંત્રાલય દ્વારા અત્યાર સુધી તેમનો પ્રવાસ રદ્દ થવાનું કોઈ કારણ જણાવવામાં આવ્યું નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ઉત્તર પૂર્વના રાજ્યોમાં તણાવની સ્થિતિને જોતા ગૃહ મંત્રાલયે આ નિર્ણય કર્યો છે.
નાગરિતા સંશોધન બિલ પાસ થયા બાદ ઉત્તર પૂર્વના રાજ્યોમાં તણાવ વ્યાપ્ત છે. અસમ, મેઘાલય, અને ત્રીપુરામાં સ્થિતિ ખરાબ છે. અસમમાં 22 ડિસેમ્બર સુધી શાળા-કોલેજોને બંધ કરી દેવામાં આવી છે. સેના અને પોલીસને તેનાત કરવામાં આવી હોવા છતા લોકો કર્ફ્યુનું ઉલ્લંઘન કરી રહ્યા છે. મુખ્યમંત્રી, રાજ્યપાલ, ગૃહમંત્રી અને ત્યાં સુધી વડાપ્રધાનને પણ લોકોને અપીલ કરી છે આમ છતા કોઈ સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી.
મેઘાલય અને અસમમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ છે. આ વચ્ચે અસમના મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં હિંસા પાછળ ઓલ અસમ સ્ટૂડન્ટ યૂનિયન અને અન્ય સ્થાનિક જૂથોનો હાથ નથી. હિંસા પાછળ એ નકારાત્મક તાકાતોનો હાથ છે કે જેઓ શાંતિથી પ્રદર્શન કરી રહેલા લોકોની વચ્ચે જોડાઈ ગયા છે. તેમણે કહ્યું કે અમે આ નકારાત્મક લોકોની ઓળખ કરી રહ્યા છે. તો મેઘાલયમાં પણ અનિશ્ચિતકાલીન કર્ફ્યુ વચ્ચે પ્રદર્શનો ચાલી રહ્યા છે. ગુરુવારના રોજ શિલોન્ગમાં પ્રદર્શનકારીઓએ પોલીસ બજાર વિસ્તારમાં દુકાનોને આગ લગાવી હતી.