સરકારને પૈસાની લાલચ નથી, ટ્રાફિક નિયમોના પાલનમાં શિસ્ત લાવવાનો હેતુઃ ગડકરી

નવી દિલ્હી – કેન્દ્ર સરકારે દેશભરમાં સુધારિત મોટર વેહિકલ એક્ટનો અમલ શરૂ કરી દીધો છે. ટ્રાફિકને લગતા નિયમોનો ભંગ કરનારાઓને ખૂબ ઊંચી રકમનો દંડ કરવાની આ કાયદામાં જોગવાઈ હોવાથી અને કસૂરવાર વાહનચાલકો પાસેથી એ વસૂલ કરવાની ટ્રાફિક પોલીસને સત્તા આપવામાં આવી હોવાથી ભારે બબાલ પણ મચી ગઈ છે.

સરકારની થઈ રહેલી ટીકા વચ્ચે કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા પર દંડની ઊંચી રકમ રાખવાનો નિર્ણય કાયદાનું પાલન ફરજિયાત બનાવવાનો છે. નહીં કે, સરકારી ખજાનાને ભરવાને માટેનો.

વાસ્તવમાં, ગઈ 1 સપ્ટેંબરથી દંડની રકમ 30 ગણી સુધી વધારી દેવા તથા સંબંધિત નિયમભંગ માટેની જેલની સજાની મુદતમાં પણ વધારો કરી દેવામાં આવ્યો હોવાથી ઉહાપોહ મચી ગયો છે.

પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તેલંગણા સરકારે દંડની વધારી દેવાયેલી રકમ વસૂલ કરવાનો ઈનકાર કરી દીધો છે.

ગડકરીએ દેશમાં માર્ગ અકસ્માતોમાં થઈ રહેલા વધારાનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે એવા ઘણા લોકો છે જેમને માટે દંડ ભર્યા વિના ટ્રાફિક નિયમોનું કોઈ મહત્ત્વ જ નથી હોતું. દંડની રકમ વધારવાનો નિર્ણય ઘણો સમજીવિચારીને અને જુદા જુદા પક્ષોની સલાહ લઈને લાગુ કરવામાં આવ્યો છે.

ગડકરીએ કહ્યું કે સરકાર દંડની રકમની વસૂલીમાંથી કોઈ કમાણી કરવા નથી માગતી. આનો હેતુ માત્ર માર્ગ અકસ્માતો અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનનાં કિસ્સા ઘટાડવા માટેનો છે. અત્યાર સુધી ટ્રાફિક નિયમોનું બહુ જ ઓછું પાલન કરાતું હતું. સરકાર દંડની રકમ વધારવા ઈચ્છતી નહોતી. અમે ઈચ્છીએ છીએ કે એવો સમય આવે જ્યારે એક પણ વ્યક્તિએ દંડની રકમ ચૂકવવી નહીં પડે અને દરેક વ્યક્તિ કાયદાનું પાલન કરશે.

ઉલ્લેખનીય છે કે સરકારે મોટર વેહિકલ એક્ટ, 1988માં સુધારા કરીને એને ગયા જુલાઈ મહિનામાં પાસ કર્યો હતો. નવા કાયદામાં, આલ્કોહોલ/દારૂ પીને વાહન ચલાવવા બદલ, એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડના વાહનને રસ્તો ન કરી આપવા બદલ વાહનચાલકને રૂ. 10 હજાર સુધીના દંડની જોગવાઈ છે. અમુક કેસમાં નિયમનો ભંગ કરનાર વાહનચાલકને દંડ ચૂકવવા ઉપરાંત જેલની સજાની પણ જોગવાઈ છે.

જો ટુ-વ્હીલર ચાલકે હેલ્મેટ પહેરી ન હોય તો એને રૂ. 1000નો દંડ કરાય છે એટલું જ નહીં, પણ એનું લાઈસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ પણ કરી દેવામાં આવી શકે છે.

સરકારના નિર્ણયની સોશિયલ મિડિયા પર ઉડાવાઈ રહી છે મજાક

સરકારે જ્યારથી ઊંચી રકમના દંડના નિયમો લાગુ કર્યા છે ત્યારથી ઘણા લોકોએ એની તરફેણમાં અભિપ્રાય આપ્યો છે, ઘણા લોકોએ રોષની લાગણી વ્યક્ત કરી છે તો સોશિયલ મિડિયા પર આ નિર્ણય ટ્રોલ પણ થયો છે. અનેક વ્યંગચિત્રો, રમૂજી લખાણનો મારો ચાલ્યો છે.