નવી દિલ્હી: દિલ્હીવાસીઓની સવાર ફરી એક વખત ખરાબ હવા સાથે થઈ છે. જેમ જેમ વાયુ પ્રદૂષણનું સ્તર વધતું જાય છે તેની સાથે આ દૂષિત અને હાનિકારક હવામાં અહીં રહેતા લોકોને શ્વાસ લેવો પણ મુશ્કેલ બનતુ જાય છે. પ્રદૂષણ સામે લડવા લોકો માટે ડીટોક્સ, ક્લીનિંગ,પ્રાકૃતિક ઉપયો નકામા બની ગયા છે.
તમારા ફેફસા હવે સંપૂર્ણ રીતે એર પ્યૂરિફાયર અને ફેસ માસ્કના ભરોસે છે. આ ઉપાયો મોંઘા ચોક્કસ છે તેની સામે ફાયદાકારક પણ છે. આની સાથે એ પણ જરૂરી છે કે તમે તમારા આહારમાં જરૂરી પોષક તત્વોનો સમાવેશ કરો જે તમારી સિસ્ટમને સાફ રાખવાની સાથે જ પ્રાકૃતિક અને સક્રિય રૂપથી ઘાતક પ્રદૂષણ સામે લડી શકે. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધન એ લોકોને સ્વસ્થ રહેવા માટે કેટલીક ટિપ્સ આપી છે. તેમણે ટ્વીટ કરીને લોકોને ગાજર ખાવાની સલાહ આપી અને કહ્યું કે, આનાથી પ્રદૂષણથી ફેલાતી બિમારીઓ સામે રક્ષણ મળે છે. ગાજરની સાથે તેમણે બ્રોકોલીનો પણ ઉલ્લેખ કર્યો.
કેવી રીતે મદદ કરે છે બ્રોકોલી?
બ્રોકોલી કોબિઝના પરિવારમાંથી આવે છે, જે અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. આને સૂપરફૂડ કહેવામાં કંઈ ખોટું નથી. ફાયબરથી ભરપૂર બ્રોકોલી પાચન ક્રિયાને મજબૂત કરે છે અને સાથે સાથે તમારા શરીરમાં હવા, ધૂળ,ખોરાક અથવા પ્રદૂષણથી આવતા ટોક્સિન્સ સામે પણ લડે છે.
પોષત તત્વોથી ભરપૂર બ્રોકોલી સારા એન્ટિઓક્સિડેન્ટ, વિટામિન-એ, બીટા-કેરોટીન, બી કોમ્પ્લેક્સ, ફોલિક એસિડ જેવા ખનિજો શરીને પૂરા પાડે છે. જેથી ઈમ્ફ્લામેશન, વારંવાર થતી બિમારીઓ અને સેલ મેમ્બ્રેનને પણ મજબૂત કરે છે. આ ઉપરાંત બ્લડ શુગર લેવલને પણ જાળવી રાખે છે, જે તમને અનેક પ્રકારની જીવલેણ બિમારી જેવી કે, કેન્સર વગેરે સામે રક્ષણ આપે છે.
દૂષિત હવામાં કેવી રીતે ફાયદાકારક છે બ્રોકોલી
બ્રોકોલી શરીરમાંથી અનેક પ્રકારના પ્રદૂષકોને બહાર કાઢવાની ક્ષમતા ધરાવે છે. બ્રોકોલીના સ્પ્રાઉટ્સ ઉપરાંત તેમની દાંડલીમાંથી પણ એક ઘટક મળે છે જે શરીર માટે ઉત્તમ માનવામાં આવે છે. ચીનમાં થયેલા એક અભ્યાસમાં સાબિત થયું કે, બ્રોકોલીના સ્પ્રાઉટ્સ ડીટોક્સ અને પ્રદૂષણ સામે લડવામાં સક્ષમ છે.
એક નવા રિસર્ચમાં પણ જાણવા મળ્યું કે, સામાન્ય ચા પીતા લોકોની સરખામણીએ બ્રોકોલીના સ્પ્રાઉટ્સની ચા પીતા લોકોના શરીરમાંથી 61 ટકા બેન્ઝીન અને 23 ટકા એક્રોલીન બહાર કાઢવામાં આવ્યું. તો હવે તમને ખબર પડી જ ગઈ હશે કે પ્રદૂષણ સામે સરળતાથી કેવી લડી શકાય છે. મોંઘાદાટ એર પ્યૂરિફાયર ખરીદવાની જરૂર નથી બસ માત્ર બ્રોકોલી ખાવાનું ન ભૂલાય.