ભિવાની: આજે દરેક વ્યક્તિ બદલાતા જતા વાતાવરણથી પરેશાન છે ખાસ કરીને દિલ્હીમાં પ્રદૂષણને કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે હરિયાણાના ચરખી દાદરી જિલ્લાના ધિકાડા ગામના સરપંચે પર્યાવરણ બચાવવા માટે એક અનોખી પહેલ કરી છે. સરપંચે ખેતરોમાં પરાળ નહીં સળગાવનાર ખેડૂતોને ફ્રીમાં હવાઈ મુસાફરી કરાવીને જાગૃતિનો સંદેશ આપ્યો છે. હવાઈ મુસાફરી કરનાર ખેડૂતોએ આ દરમ્યાન સંકલ્પ કર્યો કે, તે અન્ય ખેડૂતોને પણ પરાળ નહીં સળગાવવા માટે જાગૃત કરશે.
સરપંચ સોમેશે જણાવ્યું કે, આ જાહેરાત તેમણે ગયા વર્ષે કરી હતી. વધુમાં કહ્યું કે, પોતાના ખેતરોમાં પરાળ નહીં સળગાવનાર ધિકાડા ગામના 15 ખેડૂતોની હવાઈ મુસાફરી માટે પસંદગી કરવામાં આવી હતી. સરપંચે કહ્યું કે, ગયા વર્ષે પણ તેમણે આવા 25 ખેડૂતોને ગુજરાતની હવાઈ મુસાફરી કરાવી હતી.
સરપંચે કહ્યું કે, 30 ઓક્ટોબરે આ તમામ ખેડૂતોને સૌથી પહેલા હિસારના અગ્રોહા ધામ લઈ જવામાં આવ્યા. ત્યાં દર્શન પછી તેમણે ફિરોઝપુર જિલ્લામાં હુસૈનીવાલા સ્થિત ભારત-પાકિસ્તાન સરહદ પર ભારતીય સરહદીય સુરક્ષાદળના જવાનોની પરેડ નિહાળી હતી. બીજા દિવસે સવારે તમામ ખેડૂતોને બઠિંડાથી હવાઈ માર્ગે જમ્મુ લઈ જવામાં આવ્યા અને માતા વૈષ્ણો દેવીને દર્શન કરાવ્યા. બુધવારે આ તમામ ખેડૂતો પરત તેમના ગામ ધિકાડા પહોંચી ગયા. ખેડૂતોએ સરપંચના આ પહેલની પ્રશંસા કરી.