નવી દિલ્હીઃ ભારત સરકારે ભાગેડૂ વેપારી મેહુલ ચોક્સીને દેશમાં પાછો લાવવા માટે પોતાના પ્રયાસોને વધારી દીધા છે. તેણે ડોમિનિકા ટાપુરાષ્ટ્રની સરકારને કહ્યું છે કે ચોક્સીએ અમારે ત્યાં મોટો ગુનો કર્યો છે. એ અમારો નાગરિક છે એટલે તે અમને સોંપી દો. અખબારી અહેવાલ અનુસાર, ભારતની અનેક તપાસ એજન્સીઓ ચોક્સીના પ્રત્યાર્પણ માટે ડોમિનિકા સરકારના સંપર્કમાં છે. ભારત સરકારે ડોમિનિકા સરકારને જણાવ્યું છે કે ચોક્સી મૂળ ભારતનો નાગરિક છે. એણે ભારતમાં લગભગ બે અબજ ડોલર જેટલું કૌભાંડ કર્યા બાદ ભારતના કાયદાની પકડમાંથી છટકવા માટે નવું નાગરિકત્વ મેળવ્યું હતું. ચોક્સીનો કબજો મેળવવા માટે ભારત સરકારે ડોમિનિકા સરકારને તમામ જરૂરી દસ્તાવેજો આપી દીધા હોવાનું કહેવાય છે.
ડોમિનિકાના પડોશી ટાપુરાષ્ટ્ર એન્ટીગાએ પણ ડોમિનિકાને કહ્યું છે કે તે ચોક્સીની સોંપણી ભારતને કરી દે. પરંતુ ડોમિનિકાની સરકારે હજી આ મુદ્દે સહમતી દર્શાવી નથી. બે દિવસ પહેલાં એણે એમ કહ્યું હતું કે તે ચોક્સીની સોંપણી એન્ટીગાને જ કરી દેશે. ચોક્સીને એન્ટીગામાં સંપૂર્ણ કાનૂની રક્ષણ મળેલું છે. ત્યાંથી એને ભારતમાં પાછો લાવવા માટે ઘણો સમય લાગી જાય એમ છે. એન્ટીગાના વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉનીએ એક ઈન્ટરવ્યૂમાં એમ કહ્યું હતું કે ચોક્સી એન્ટીગામાંથી ગેરકાયદેસર રીતે ભાગી જતાં અને ડોમિનિકામાં ઘૂસી જતાં પકડાઈ ગયો છે એટલે હવે અમારો દેશ એને પાછો આવવા નહીં દે.