‘રામરહીમસિંહ બળાત્કારી છે, એને પાછો જેલમાં નાખો’

નવી દિલ્હીઃ દિલ્હી મહિલા પંચ (DCW)નાં અધ્યક્ષા સ્વાતિ મલીવાલે ડેરા સચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને પેરોલ પર છોડવા બદલ હરિયાણા સરકારની ઝાટકણી કાઢી છે. ઉલ્લેખનીય છે કે રામરહીમ બળાત્કાર અને હત્યાના કેસોમાં અપરાધી જાહેર કરવામાં આવ્યો છે અને આજીવન કેદની સજા કરાઈ છે. પરંતુ, રામરહીમસિંહે પેરોલ પર છૂટ્યા બાદ ગઈ 19 ઓક્ટોબરે એક વર્ચ્યુઅલ ‘સત્સંગ’નું આયોજન કર્યું હતું જેમાં કરનાલ શહેરના મેયર તથા શાસક ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓએ હાજરી આપી હતી.

સ્વાતિ મલીવાલે કહ્યું છે કે, ‘રામરહીમ એક બળાત્કારી અને હત્યારો છે. અદાલતે એને આજીવન કેદની સજા ફટકારી છે, પણ હરિયાણા સરકાર પોતાની ઈચ્છા મુજબ આ ખતરનાક ગુનેગારને પેરોલ આપ્યા કરે છે. પેરોલ પર છૂટીને એ સત્સંગ કરે છે અને હરિયાણા સરકારના નાયબ સ્પીકર તથા મેયર સહિત અનેક નેતાઓ એના કાર્યક્રમોમાં હાજરી આપે છે, તાળી પાડે છે. મારી હરિયાણા સરકારને અપીલ છે કે તે રામરહીમના પેરોલ રદ કરે અને એને પાછો જેલમાં નાખે.’

જોકે હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરે કહ્યું છે કે રામરહીમની પેરોલ અરજી મંજૂર કરવામાં એમની પોતાની કોઈ ભૂમિકા નથી.