નવી દિલ્હીઃ અમેરિકા જવાની ગુજરાતીઓની ઘેલછા આમ તો નવી વાત નથી, પણ આજે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બનેલી એક ઘટનામાં લોકો અમરિકા જવા માટે કેવા કેવા અખતરા કરે છે એનું અજીબોગરીબ ઉદાહરણ સામે આવ્યું હતું.
અમદાવાદના જયેશ પટેલ નામના યુવાને 81 વર્ષના વૃધ્ધ બનીને બનાવટી ઓળખ સાથે અમેરિકા જવાનો પ્રયત્ન કરતા એ એરપોર્ટ પર જ ઝડપાઇ ગયો હતો. CISF ના હાથમાં આવ્યા બાદ આ જયેશને દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યો હતો. અહીં તેની પુછપરછ બાદ સત્ય સામે આવ્યું હતુ.
વાત એવી છે કે, 32 વર્ષી જયેશ પટેલે ન્યૂયોર્ક જવા માટે નકલી દાઢી-મૂંછનો સહારો લઇને 81 વર્ષના વૃદ્ધનો ગેટએપ તૈયાર કર્યો હતો. દાઢી અને માથાના વાળને કલર કરીને સફેદ કર્યા હતાં અને ચશ્મા પણ પહેર્યા હતાં. કોઈને શંકા ન જાય એટલા માટે વ્હિલચેર પર એરપોર્ટ પહોંચ્યો હતો, પણ ચહેરા પર વૃદ્ધની જેમ નકલી કરચલીઓ ન બનાવી શક્યો. ત્વચાના કારણે અધિકારીને શંકા પડી અને જયેશ પકડાઈ ગયો. શંકા જતાં CISFની ટીમે તેને દબોચી લીધો અને પૂછપરછ દરમિયાન તે નકલી વિઝા સાથે વિદેશ જવાની ફિરાકમાં હોવાનુ બહાર આવ્યું હતુ.
જોવાની વાત એ છે કે જયેશને ઇમિગ્રેશન ક્લિયરન્સ પણ મળી ગયું હતું, પણ CISFને શંકા જતાં તે પકડાઇ ગયો. જયેશ પટેલ 81 વર્ષના અમરીક સિંહના નકલી નામથી ન્યૂયોર્ક જઇ રહ્યો હતો. તેણે પોતાને વૃદ્ધ દેખાડવા માટે ઝીરો નંબરના ચશ્મા પણ પહેરી રાખ્યા હતાં. ટી-3માં ફાઇનલ સુરક્ષા તપાસ માટે જ્યારે સીઆઇએસએફના એસઆઇ રાજવીર સિંહે તેને વ્હિલચેર પરથી ઉઠવા માટે કહ્યું તો તેણે ઇન્કાર કરી દીધો. તે આંખ મિલાવીને વાત કરી રહ્યો નહોતો એટલે આ અધિકારીની શંકા દ્રઢ બની.
રાજવીર સિંહે તેનો પાસપોર્ટ ચેક કર્યો તો તેમાં જન્મતારીખ 1 ફેબ્રુઆરી 1938 હતી. આ હિસાબથી તે 81 વર્ષનો થઇ ચૂકયો હતો. જયેશના ચહેરાને તેમણે ધ્યાનથી જોયો તો તેના ચેહરાની સ્કીન વૃદ્ધ હોવાના પુરાવા આપી રહી ન હતી. શંકા જતા તેમની આકરી પૂછપરચ્છ કરતાં સત્ય સામે આવ્યું. ત્યારબાદ ખબર પડી કે તની સાચી ઉંમર 32 વર્ષની છે અને કોઇ બીજા વ્યક્તિના પાસપોર્ટ પર અમેરિકા જવાની ફિરાકમાં હતો.
દલાલ પાસેથી ખરીદ્યો હતો પાસપોર્ટ
તપાસ દરમ્યાન સામે આવ્યું કે, જયેશ પટેલ કોઈ પણ રીતે બસ અમેરિકા જવુ હતુ. એના માટે તેણે એક દલાલનો સંપર્ક કર્યો. આ દલાલે જયેશને એક 81 વર્ષના વ્યક્તિનો ઓરિજનલ પાસપોર્ટ આપ્યો. આ પાસપોર્ટ પર અમેરિકાના વીઝા પણ મળેલા હતા. પાસપોર્ટમાં ફોટોના આધાર પર જયેશે પોતાનો ગેટએપ બનાવ્યો અને એરપોર્ટ પહોંચી ગયો.