GST કાઉન્સિલની બેઠક: આમ આદમીને મળશે મોટી રાહત

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 56મી બેઠક યોજાશે, જે ચોથી સપ્ટેમ્બર સુધી દિલ્હીમાં ચાલશે, તેમાં GST સુધારાઓ પર ચર્ચા થશે, જેમાં ટેક્સ દર ઘટાડવો, કોપ્લાયન્સને સરળ બનાવવું અને સ્ટ્રક્ચરલ સુધારા સામેલ છે. આ બેઠકમાં હોમ એપ્લાયન્સ જેમ કે AC, ટીવી, ફ્રિજ અને વોશિંગ મશીન જેવાં પ્રોડક્ટ્સના GST દરોમાં ઘટાડો થવાની શક્યતા છે. જેથી સામાન્ય લોકોને મોટી રાહત મળશે.

બે મુખ્ય દર પર થશે ચર્ચા

GST કાઉન્સિલ માત્ર બે મુખ્ય દરો, પાંચ ટકા અને 18 ટકા રાખવા પર વિચાર કરી રહી છે. હાલના 12 ટકા અને 28 ટકાના દરો ખતમ થવાની શક્યતા છે. સિન, લક્ઝરી અને ડિમેરિટ ગુડ્સ પર 40 ટકા સુધી ટેક્સ લગાડવાનો પ્રસ્તાવ છે, જેમાં વધારાની ડ્યૂટી પણ લાગી શકે છે.

સિટી યુનિયન બેંકના 120મા ફાઉન્ડેશન ડે પર સીતારામને કહ્યું હતું કે GST સુધારાઓનો હેતુ અર્થતંત્રને સંપૂર્ણ ખુલ્લું અને પારદર્શક બનાવવાનો છે અને નાના બિઝનેસ માટે કોપ્લાયન્સનો ભાર ઘટાડવાનો છે. તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ નેક્સ્ટ-જનરેશન સુધારા માટે ટાસ્ક ફોર્સ બનાવી છે, જે સ્ટાર્ટઅપ્સ, MSME અને ઉદ્યોગ સાહસિકો માટે સરળ ઇકોસિસ્ટમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

 નિર્મલા સીતારામને શું કહ્યું?

તેમણે કહ્યું હતું કે નેક્સ્ટ-જન GST સુધારાઓનો પ્લાન નાના બિઝનેસનો ભાર ઘટાડશે અને તેમને આગળ વધારવા માટે સરળ વાતાવરણ આપશે. તેમણે બેંકોની ભૂમિકા પર પણ ભાર મૂક્યો, ખાસ કરીને વિકસિત ભારત 2047ના વિઝનમાં ક્રેડિટ વધારવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ, MSME અને ગરીબોને સમયસર ફંડિંગ આપવા મામલે.

NPV એન્ડ એસોસિયેટ્સના બૃજેશ ગાંધીના જણાવ્યા મુજબ, ટૂથપેસ્ટ, છત્રી, સિલાઈ મશીન અને નાની વોશિંગ મશીન 5 ટકા મેરિટ સ્લેબમાં આવશે. જ્યારે ઇલેક્ટ્રોનિક્સ, એસી, ટીવી, નાની કાર અને ટૂ-વ્હીલર્સ 28 ટકામાંથી 18 ટકા સ્લેબમાં જશે. જેથી ટેક્સનો ભાર 10 ટકા સુધી ઘટશે અને ફેસ્ટિવ સીઝન પહેલા ભાવો ઘટી શકે છે.

એક્સપર્ટ્સનું માનવું છે કે આ વખતે બેઠકમાં લેવાયેલા નિર્ણયો સીધા સામાન્ય માણસની ખિસ્સા અને ઇન્ડસ્ટ્રીના કોસ્ટ સ્ટ્રક્ચરને અસર કરશે. GSTના દરોમાં મોટો ઘટાડો જ્યાં સામાન્ય ગ્રાહકોને મોટી રાહત આપશે, ત્યાં ઇન્શ્યોરન્સ અને હેલ્થ સેક્ટરને પણ પ્રોત્સાહન મળી શકે છે.