પત્નીને તરછોડી દેનાર 45 NRI પતિઓનાં પાસપોર્ટ ભારત સરકારે રદ કર્યા

નવી દિલ્હી – પોતાની પત્નીને તરછોડી દેનાર 45 બિનનિવાસી ભારતીય (NRIs) પતિઓના પાસપોર્ટ ભારત સરકારે રદ્દ કરી દીધા છે એવું કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન મેનકા ગાંધીએ જણાવ્યું છે.

મેનકા ગાંધીએ કહ્યું છે કે આ બાબતમાં જેને તપાસ સોંપવામાં આવી છે તે એજન્સીએ NRI લગ્નવાળાં કેસોમાં ફરાર થયેલા પતિઓને શોધી કાઢવા માટે લુક-આઉટ સર્ક્યૂલર્સ ઈસ્યૂ કર્યા છે અને વિદેશ મંત્રાલયે 45 પાસપોર્ટ જપ્ત કર્યા છે.

મેનકા ગાંધીએ વધુમાં જણાવ્યું કે, ‘સરકારે આ મામલે વધુ એક ખરડો પણ રાજ્ય સભામાં રજૂ કર્યો છે. જે મુજબ NRI પતિ દ્વારા તરછોડાયેલી પત્નીને ન્યાય મળી શકે, પણ અફસોસ કે આ ખરડો સ્થગિત કરવામાં આવ્યો છે.’

આ ખરડો બિન નિવાસી ભારતીયોને એમનાં લગ્નની નોંધણી કરવાનું ફરજિયાત બનાવતો, એમેન્ડમેન્ટ ઑફ પાસપોર્ટસ્ ઍક્ટ, 1967 તથા એમેન્ડમેન્ટ ઑફ ધ કૉડ ઑફ ક્રિમિનલ પ્રોસિજર, 1973 જેવા કાયદાઓમાં સુધારા કરવાને લગતો છે.

આ ખરડો વિદેશ મંત્રાલય, મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય, ગૃહ મંત્રાલય તેમજ કાયદા અને ન્યાય મંત્રાલયના સહયોગથી રજૂ થયો છે.