નવી દિલ્હી – મોટરકાર કે ઘર ખરીદવવા માટે, વિદેશમાં પ્રવાસે જવા માટે અથવા કોઈ મૂડીરોકાણ કરવું હોય તો પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ન હોય તો આધાર યુનિક આઈડેન્ટિટી નંબર આપવાનો વિકલ્પ પૂરો પાડવાની કેન્દ્ર સરકારે લોકોને સુવિધા આપી છે, પણ આમાં લોકોએ એક મોટી કાળજી લેવાની જરૂર રહેશે. જો તેઓ ખોટો આધાર નંબર દર્શાવશે તો મોટી રકમની પેનલ્ટી ચૂકવવી પડશે. આધાર કાર્ડ ખોટો દર્શાવવા બદલ દર વખતે 10 હજાર રૂપિયાનો દંડ થશે.
દંડની આ જોગવાઈ આ વર્ષની 1 સપ્ટેંબરથી લાગુ થવાની ધારણા છે. હાલ એને લગતા કાયદામાં અમુક સુધારો કરવામાં આવી રહ્યો છે. સુધારા કરી દેવાયા બાદ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.
ઊંચી રકમના સોદાઓ વખતે દસ્તાવેજોમાં જે કોઈ વ્યક્તિ પોતાનો આધાર નંબર સાચો નહીં બતાવે તો એને રૂ. 10 હજારનો દંડ ભરવો પડશે.
કાયદામાં સુધારો એવી રીતે કરવામાં આવી રહ્યો છે કે દંડ વસુલ કરતા પહેલાં વ્યક્તિ તરફથી રજૂઆત કે સ્પષ્ટતા સાંભળવામાં આવે.
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને લોકસભામાં 2019-20 વર્ષનું બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે ભારતમાં એક અબજ 20 લાખથી પણ વધારે લોકો પાસે આધાર યુનિક આઈડી નંબર આવી ગયો છે. એની સામે PAN નંબર માત્ર 22 કરોડ લોકો પાસે જ છે.