આ ખાસ ફીચરથી હવે ગૂગલ મેપમાં રસ્તો શોધવાનું વધુ સરળ બનશે

નવી દિલ્હી: અમદાવાદ જવું હોય કે મુંબઈ ગૂગલ મેપ તમને દરેક શહેરનો રસ્તો બતાવે છે. આ મેપે લોકોની મુસાફરી સરળ બનાવી દીધી છે. કોઈ પણ નવા સ્થળના રસ્તાની માહિતી તમને ગૂગલ મેપ પર મળી જાય છે, પણ કેટલાક યૂઝર્સને કોઈ નવા શહેરની સ્થાનિક ભાષમાં ગૂગલ મેપના ઉપયોગમાં મુશ્કેલી પડે છે. હવે આ યૂઝર્સે આ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. હવે ગૂગલ મેપ સ્થાનિક ભાષાની સમસ્યાથી છૂટકારો મેળવવા ટ્રાન્સલેશન ફિચર લોન્ચ કર્યું છે.

ગૂગલે કહ્યુ કે જો કોઈ વ્યક્તિ તેનો દેશ છોડી અન્ય દેશમાં જાય અને તેમને ત્યાંની લોકલ ભાષા ન આવડતી હોય તો મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ટ્રાવેલિંગ દરમ્યાન કોઈ ટેક્સી ડ્રાઈવરને પોતાની વાત કે દિશા સમજાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગૂગલ મેપ અને ગૂગલ ટ્રાન્સલેટને મેળવીને હવે આ ટ્રાન્સલેશન ફિચર જોડવામાં આવ્યું છે.

આ નવા ફિચરથી હવે તમારો સ્માર્ટફોન સ્થાનિક ભાષામાં બોલીને બતાવશે કે કઈ જગ્યાએ જવાનું છે. આ ફિચરનો ઉપયોગ કરવા માટે ગૂગલ મેપમાં પ્લેસ નામ અને એડ્રેસની બાજુમાં આપેલા સ્પીકર બટનને દબાવવાનું રહેશે. ત્યારબાદ ગૂગલ મેપ તમને બોલીને જણાવશે કે, તમારે કઈ જગ્યાએ જવાનું છે. આ ફિચરને કારણે ડ્રાઈવરને સ્થાનિક ભાષામાં ખબર પડી જશે કે, તમારે કયા સ્થળે જવાનું છે.

ગૂગલ તેની એપ્સના ફિચર્સને સતત અપડેટ કરતુ રહે છે. મશીન લર્નિગને વધુ અપગ્રેડ કરીને યૂઝર્સની સહૂલિયત માટે બનાવવામાં આવી રહ્યુ છે. થોડા દિવસો અગાઉ ભારતમાં આયોજીત Google For India ઈવેન્ટમાં Google Assistantને અપગ્રેડ કરવામાં આવ્યું હતું. હવે યૂઝર્સ Google Assistant મારફતે હિન્દીમાં વાત કરી શકશે.