ઉન્નાવ : ગેંગરેપ પીડિતાને જીવતી સળગાવી, હાલત ગંભીર

ઉન્નાવ: ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં બિહાર થાણા વિસ્તારમાં ગેંગરેપ પીડિતાને ગુરુવારે સવારે પાંચ લોકોએ જીવતી સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો. પોલીસે આ મામલે તમામ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, આ ઘટના બિહાર થાણા વિસ્તારના સિન્દુપુર ગામની છે. પીડિતાના શરીરનો 90 ટકા ભાગ સળગી ગયો છે. તેને લખનૌની સરકારી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે, જ્યાં તેની હાલત અત્યંત ગંભીર હોવાની માહિતી મળી રહી છે. તો આ તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પીડિતાની સારવાર સરકારી ખર્ચ પર કરાવવા અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીનો દાવો કર્યો છે.

ઉન્નાવ એસપી વિક્રાંત વીરે જણાવ્યું કે માર્ચમાં રાયબરેલીના લાલગંજ થાણા વિસ્તારમાં એક કેસ નોંધવામાં આવ્યો હતો. તેમાં યુવતીએ આરોપ લગાવ્યો હતો કે લગ્ન કરવાનો વાયદો કરીને બે વ્યક્તિઓએ તેના પર ગેંગરેપ ગુજાર્યો હતો. ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી બે શખ્સ આ જ યુવતી પર ગેંગરેપ કરવાના ગુનામાં આરોપી છે અને તાજેતરમાં જ તેમને આ કેસમાં જામીન મળ્યા હતા. ગેંગરેપના આરોપીઓએ પોતાના મિત્રો સાથે મળીને પીડિતાને જીવતી સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો.

 

ટ્રેન પકડવા જઈ રહી હતી પીડિતા

પીડિતાએ નિવેદન આપ્યું કે, ગુરુવારે સવારે ચાર વાગ્યે રાયબરેલી જવા માટે ટ્રેન પકડવા માટે બૈસવારા બિહાર રેલવે સ્ટેશન જઈ રહી હતી.  રસ્તામાં તેને ગામના હરિશંકર ત્રિવેદી, કિશોર શુભમ, શિવમ અને ઉમેશે ઘેરી લીધી. તેઓએ તેના માથા પર ડંડાથી અને ગળા પર ચાકુથી અનેક વખત હુમલાઓ કરીને તેને ઈજાગ્રસ્ત કરી દીધી હતી. ઈજાગ્રસ્ત યુવતી ચક્કર આવવાથી જમીન પર ફસડાઈ પડી અને તેનો લાભ લઈ આરોપીઓએ તેના પર પેટ્રોલ છાંટીને તેને સળગાવી દીધી. યુવતીની ચીસો સાંભળીને એકઠી થયેલી ભીડે પોલીસને આ અંગે જાણકારી આપી હતી.

તો બીજી તરફ આ મામલાને લઈને યૂપી સરકાર પર પ્રિયંકા ગાંધીએ આકરા પ્રહાર કર્યા છે. તેમણે ટ્વીટ કર્યું કે, ‘ગઈકાલે દેશના ગૃહમંત્રી (અમિત શાહ) અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી (યોગી આદિત્યનાથ) એ એકદમ સાફ સુથરુ જૂઠાણું કહ્યુ, કે, ઉત્તરપ્રદેશની કાનૂન વ્યવસ્થા સારી થઈ ગઈ છે. દરરોજ આ પ્રકારની ઘટનાઓને જોઈને મનમાં રોષ પ્રગટે છે. બીજેપી નેતાઓએ હવે ફર્જી પ્રચારમાંથી બહાર નિકળવું જોઈએ.