નવી દિલ્હી- રાજધાની દિલ્હીમાં શીતલહેરનો પ્રકોપ વધી રહ્યો છે. ધુમ્મસને કારણે દિલ્હીવાસીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ શીતલહેર અને ધુમ્મસને કારણે ટ્રેન અને વિમાન સેવા પર ગંભીર અસર પડી છે. ગઈકાલે અહીં ન્યૂનતમ તાપમાન 4.2 ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય તાપમાન કરતા 3 ડિગ્રી ઓછું છે. આજે પણ શીતલહેર યથાવત રહે તેવી સંભાવના છે.
શીતલહેર અને લો-વિઝનને કારણે દિલ્હી આવનારી 10 ટ્રેનો તેના નિર્ધારિત સમય કરતા મોડી ચાલી રહી છે. આ ઉપરાંત દિલ્હી એરપોર્ટ પર સવારે 5:30થી 7 વાગ્યા વચ્ચે ટેક ઓફ કરનારી તમામ ફ્લાઈટોને રોકી દેવામાં આવી હતી. દિલ્હી આવતી મોટાભાગની ફ્લાઈટો ધુમ્મસને કારણે તેના લેન્ડિંગમાં મોડુ થઈ રહ્યું છે. એક આંતરરાષ્ટ્રીય ઉડાનને પણ ડાયવર્ટ કરી દેવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે તાપમાન 21 અને 4 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત ફરી એક વખત વરસાદ આવે તેવી પણ શક્યતા છે. આ પહેલા દિલ્હીમાં 6 જાન્યુઆરીના રોજ વરસાદ થયો હતો.
રાજધાની દિલ્હીમાં પ્રદુષણનું સ્તર પણ અત્યંત ખરાબ સ્થિતિ પર છે. લોધી રોડ વિસ્તારમાં પીએમ 2.5નું સ્તર 500 અને પીએમ 10નું સ્તર 484 સુધી પહોંચી ગયું છે, બંન્ને ખતરનાક સ્તર પર છે.