નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પરિણામો આવવામાં હવે માત્ર 10 દિવસ જ બચ્યાં છે. પરિણામો બાદ કેન્દ્રમાં ભલે ગમે તે પાર્ટીની સરકાર બને પરંતુ તે સરકારને એક નવા પડકારનો સામનો કરવો પડશે. છેલ્લાં કેટલાક મહિનામાં ઘણી ખાદ્ય વસ્તુઓની કીંમતમાં વધારો થવા લાગ્યો છે. પશ્ચિમ અને દક્ષિણ ભારતના કેટલાય ભાગોમાં દુષ્કાળ અને ગરમીના કારણે ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે બીજેપીના નેતૃત્વની એનડીએ સરકારના સમયમાં દેશને મોંઘવારીથી રાહત મળી હતી. ખાદ્ય મોંઘવારી અને રિટેઈલ મોંઘવારી બંને નીચે રહ્યા. પરંતુ હવે કેન્દ્રમાં જે પણ સરકાર આવશે તેના માટે વધતી મોંઘવારી ફરીથી એક પડકાર પેદા કરી શકે છે. યૂપીએ સરકારના સમયમાં મોંઘવારીના ખૂબ ઉંચા આંકડાઓના કારણે જનતા પરેશાન થઈ ગઈ હતી અને તેના કારણે સરકાર વિરુદ્ધ માહોલ બન્યો હતો. પરંતુ આ વખતે સામાન્ય ચૂંટણીમાં મોંઘવારીનો કોઈ મામલો નથી.
ગત સપ્તાહે એક સર્વેમાં મોટાભાગના જાણકારોએ એ વાતનો સ્વીકાર કર્યો કે એપ્રિલ માસ માટે મોંઘવારી દર વધીને 6 મહિનાની ઉંચાઈ પર જઈ શકે છે. જો કે રિઝર્વ બેંક માટે સુવિધાજનક સ્તર 4 ટકાથી ઓછો રહી શકે છે. સરકાર એપ્રિલ મહિના માટે મોંઘવારીનો આંકડો જાહેર કરશે.
સતત 9 મહિનાથી મોંઘવારી રીઝર્વ બેંક માટે સુવિધાજનક સ્તર પર બનેલી છે. રીઝર્વ બેંક ફેબ્રુઆરી અને એપ્રિલ મહિનામાં બે વાર વ્યાજદરોમાં ઘટાડો કરી ચૂકી છે. સર્વેમાં જોડાયેલા 40 અર્થશાસ્ત્રીઓએ કહ્યું કે એપ્રિલમાં મોંઘવારી દર વધીને 2.97 ટકા સુધી પહોંચી શકે છે. જ્યારે માર્ચમાં આ 2.86 ટકા હતો.
આવનારા સમયમાં મોંઘવારી હજી વધશે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હકીકતમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કીમતો વધી રહી છે અને એવું માનવામાં આવી રહ્યું કે સરકાર ચૂંટણીને જોતાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવો નથી વધારી રહી, એટલે કે ચૂંટણી બાદ તેની કીમતોમાં મોટો વધારો થઈ શકે છે. ઈંધણની કીમતો વધવાથી ખાદ્ય પદાર્થોની કીમતમાં પણ વધારો થશે.