કોરોનાને મામલે વિશ્વના ટોચના પાંચ-દેશોની સ્થિતિ જાણો

નવી દિલ્હીઃ વિશ્વમાં કેટલાક અન્ય દેશોની જેમ ભારત પર કોરોનાની બીજી લહેર કહેર બનીને તૂટી છે, પણ હવે બીજી લહેરનો પ્રકોપ ધીમ-ધીમે ઘટી રહ્યો છે. દેશમાં 24 કલાકમાં નવા કોરોના દર્દીઓની સંખ્યા ચાર લાખના આંકડા પાર કરી ગઈ હતી, પણ હવે એ આકંડો ઘટીને 1.52 લાખે આવી ગયો છે. દેશમાં પોઝિટિવિટી રેટ હવે ઘટીને આઠ ટકાએ આવી ગયો છે, જે સતત વધુ નીચે લાવવાના પ્રયાસ છે.   

કોરોનાની વર્તમાન સ્થિતિને લઈને બીજા દેશોથી ભારતની તુલના કરીએ તો કુલ દર્દીઓની સંખ્યામાં ભારતથી માત્ર આગળ અમેરિકા છે. અમેરિકામાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા 34,043,068 છે તો ભારતમાં 2,78,94,800 લોકો અત્યાર સુધી કોરોના શિકાર થઈ ચૂક્યા છે. ભારત પછી ત્રીજા ક્રમે બ્રાઝિલ છે, જ્યાં 16,515,120 લોકો અત્યાર સુધી કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.

કોરોના કેસોઃ ટોપના પાંચ દેશોમાં શી સ્થિતિ છે, એ જોઈએ.

વિશ્વમાં કોરોનાના કુલ 17,00,44,172 કેસો છે. વિશ્વના દેશોમાં અમેરિકા 34,043,068, ભારત 2,78,94,800, બ્રાઝિલ 16,515,120, ફ્રાંસ 5,666,113 અને તુર્કીમાં 5,242,911 કોરોનાના કેસો છે.

કોરોનાથી થયેલા મોતોના મામલે ભારત ત્રીજા સ્થાને છે. કોરોનાથી અત્યાર સુધી સૌથી વધુ મોત અમેરિકામાં થયાં છે. અમેરિકામાં 6,09,544 લોકોના કોરોનાને લીધે મોત થયાં છે. જ્યારે બીજા ક્રમે બ્રાઝિલમાં 4,62,092 લોકોના કોરોનાને લીધે મોત થયાં છે. ત્રીજા ક્રમે ભારત છે, જ્યાં અત્યાર સુધી 3,25,972 લોકોનાં મોત થયાં છે.  એ પછી મેક્સિકોમાં 2,23,507 લોકોનાં અને બ્રિટનમાં 1,27,781 લોકોનાં મોત થયાં છે.
સક્રિય કેસોને મામલે ભારત વિશ્વમાં બીજા સ્થાને છે. હવે વિશ્વમાં દરેક ત્રીજું મોત ભારતમાં થઈ રહ્યું છે. દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.16 ટકા છે, જ્યારે રિકવરી રેટ 90 ટકાથી વધુ છે. જ્યારે સક્રિય કેસો ઘટીને આઠ ટકાથી નીચે છે.