નવી દિલ્હીઃ સ્થાનિક બજારમાં ડુંગળીની કિંમતો રૂ. 80થી રૂ. 100એ પહોંચતાં સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ પગલાથી કિંમતો ઘટતાં સામાન્ય જનતા ખુશ છે, પણ હવે 2024માં ડુંગળીની કિંમતો વધવાની શક્યતા છે, કેમ કે ઉત્પાદન પહેલાંની તુલનાએ 30 ટકા ઓછું રહેવાની સંભાવના છે.
કેન્દ્ર સરકારે આઠ ડિસેમ્બરે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારનો આ નિર્ણય ડુંગળીની કિંમતોને કાબૂ કરવા પર હતો. એ પ્રતિબંધ 31 માર્ચ, 2024 સુધી લાગુ રહેશે.એ પહેલાં સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા શૂલ્ક લગાવ્યું હતું. જોકે સરકારના પ્રતિબંધની અસર પડોશી દેશોમાં જોવા મળી છે. દેશના ખેડૂતો સરકારના નિર્ણયથી નારાજ છે, ત્યારે કાઠમંડુથી માંડીને કોલંબો સુધી સામાન્ય ગ્રાહક પરેશાન છે. ભારતના પડોશી દેશો બંગલાદેશ, મલેશિયા, નેપાળ અને UAE પણ ભારતીય ડુંગળી પર નિર્ભર રહે છે. એશિયાના દેશોમાં કરવામાં આવતી ડુંગળીની આયાતમાં અડધાથી મોટો હિસ્સો ભારતનો છે.ચીન કે ઇજિપ્ત જેવા હરીફ નિકાસકારોને મુકાબલે ભારતથી ઓછા સમયમાં શિપમેન્ટના સમયે મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભારતે 31 માર્ચે પૂરા થતા નાણાકીય વર્ષમાં ડુંગળીની નિકાસ 25 લાખ ટન કરી હતી.
બંગલાદેશના વેપાર મંત્રાલયના અધિકારી તપન કાંતિ ઘોષે કહ્યું હતું કે અમે અછતને દૂર કરવા માટે ચીન, ઇજિપ્ત કે તુર્કીથી વધુમાં વધુ ડુંગળી મગાવવાના પ્રયાસ કરી રહ્યા છે. બંગલાદેશથી બૂરા હાલ નેપાળમાં છે. નેપાળના વેપાર મંત્રાલયે કહ્યું હતું કે ભારત દ્વારા દ્વારા પ્રતિબંધ પછી અમે વિવિધ જગ્યાએ સપ્લાયની સ્થિતિની સમીક્ષા કરી હતી, પણ વેચાણ માટે ડુંગળી નથી.
ભારતીય વેપારીઓએ કહ્યું હતું કે નિકાસ પર પ્રતિબંધ પછી ડુંગળીની કિંમતોમાં 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને નવી આવકો પછી ભાવ ઔર ઘટવાની ધારણા છે.