સંસદભવનની સુરક્ષા જવાબદારી દિલ્હી પોલીસના હાથમાંથી લઈ લેવાઈ, CISFને સોંપાઈ

નવી દિલ્હીઃ ગઈ 13 ડિસેમ્બરે સંસદભવનના બે અજાણ્યા શખ્સે સુરક્ષા વ્યવસ્થા ભેદી, લોકસભા ગૃહમાં ઘૂસીને કલર સ્મોક બોમ્બ ફોડ્યા બાદ કેન્દ્ર સરકારે સલામતી મામલે ધરખમ ફેરફાર કર્યો છે. સરકારે સમગ્ર સંસદભવન સંકુલની સુરક્ષા દિલ્હી પોલીસના હાથમાંથી લઈ લીધી છે અને કેન્દ્રિય એજન્સી સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ)ને તે જવાબદારી સોંપી છે.

સીઆઈએસએફ કેન્દ્રસ્થ સશસ્ત્ર પોલીસ દળ છે. તે હાલ દિલ્હીમાં ઘણા કેન્દ્ર સરકારી મંત્રાલયોની ઈમારતોની સુરક્ષા સંભાળે છે. તદુપરાંત અણુ મથકો અને એરોસ્પેસ ડોમેન, સિવિલ વિમાનીમથકો અને દિલ્હી મેટ્રોની સુરક્ષા પણ સીઆઈએસએફને જ સોંપવામાં આવી છે.

સમાચાર સંસ્થા પીટીઆઈના જણાવ્યા મુજબ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંસદભવન સંકુલનું સર્વેક્ષણ કરવાનો આદેશ આપ્યો છે જેથી સંકુલમાં સીઆઈએસએફની સુરક્ષા વ્યવસ્થાને તૈનાત કરી શકાય. કેન્દ્ર સરકારના મંત્રાલયોની સુરક્ષા સંભાળતા સીઆઈએસએફના ગવર્મેન્ટ બિલ્ડિંગ સિક્યુરિટી (જીબીએસ) એકમના નિષ્ણાતો તેમજ આ દળના અગ્નિશામક અને રિસ્પોન્સ વિભાગના નિષ્ણાતો આ અઠવાડિયાના અંતભાગમાં સર્વેક્ષણ હાથ ધરશે.