ફેક ન્યૂઝને રોકવા જ પડશેઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું છે કે જાહેર પ્રસારક ઓલ ઈન્ડિયા રેડિયો (આકાશવાણી) અને દૂરદર્શન કાયમ સચ્ચાઈની પડખે રહ્યા છે અને વર્ષોથી લોકોનો વિશ્વાસ જીતતા આવ્યા છે. એમણે પ્રચારમાધ્યમોને સમાચારોની સંવેદનશીલતા પ્રતિ જવાબદારી નિભાવવાની સલાહ આપી હતી અને કહ્યું કે, લોકો સુધી સાચા સમાચાર પહોંચે એ જવાબદારી હોવી જોઈએ. નકલી સમાચારો પ્રતિ મીડિયાએ સાવચેત રહેવું જોઈએ.

ઠાકુર અહીં 59મી એશિયન બ્રોડકાસ્ટિંગ યૂનિયન મહાસભા અને એસોસિએટેડ મીટિંગ્સ-2022 સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. મહાસભાનું યજમાનપદ પ્રસાર ભારતી સંસ્થાએ સંભાળ્યું હતું.