નવી દિલ્હી- રાજધાની દિલ્હી સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ને લઈને એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. અહીં એઈમ્સમાં સારવાર અર્થે આવનાર દર ચોથો વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર અને અન્ય સુવિધાઓને લઈને અસંતુષ્ટ છે. સરકારી સર્વેમાં આ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સર્વે મુજબ એઈમ્સ હોસ્પિટલ પહોંચેલા 28 ટકા દર્દીઓ ઈમરજન્સી અને સર્જરી વિભાગની સુવિધાઓથી અસંતુષ્ટ રહ્યાં. 25 ટકા લોકોએ જણાવ્યું કે, તે ઈએનટી (કાન,નાક,ગળા) વિભાગમાં આપેલી સેવાઓથી ખુશ નથી. તો બીજી તરફ ઓછામાં ઓછા 23 ટકા દર્દીઓ દેશની ટોચની હોસ્પિટલમાં ઉપલબ્ધ તમામ પ્રકારની સારવાર અને અન્ય સુવિધાઓથી સંતુષ્ટ નથી. એઈમ્સમાં આવેલા ઘણાં દર્દીઓ ઈમરજન્સી, સર્જરી, ઓર્થોપેડિક, પ્રસૂતિ વિભાગ અને મહિલાઓ સાથે જોડાયેલા વિભાગમાં ઉપલબ્ધ સુવિધાઓ સામે નારાજગી વ્યક્ત કરી.
સર્વે મુજબ આ વર્ષે ફેબ્રુઆરીથી એપ્રિલ વચ્ચે અંદાજે 9,940 દર્દીઓમાંથી 35 ટકા દર્દીઓની નારાજગીનું મુખ્ય કારણ હોસ્પિટલના કર્મચારીઓનો વ્યવહાર રહ્યું. સરકાર તરફથી લોકો પાસેથી મેળવેલા ફિડબેકમાં કહેવામાં આવ્યું કે, અસંતુષ્ટ દર્દીઓનું મુખ્ય કારણ એઈમ્સના કર્મચારીઓનો ખરાબ વ્યવહાર છે, ત્યાર બાદ અન્ય કારણોમાં 34 ટકા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા 2016મે શરુ કરેલી પહેલ ‘મારી હોસ્પિટલ’ હેઠળ દર્દીઓ પાસેથી પ્રતિક્રિયા લેવામા આવી હતી. આમા કહેવામાં આવ્યું છે કે, સારવારની ગુણવત્તા અને સારવાર ખર્ચ બાબતે દર્દીઓની વચ્ચે અસંતોષના અન્ય કારણો ( ક્રમશ: 13 ટકા, 12 ટકા) રહ્યા. એઈમ્સને ‘મારી હોસ્પિટલ’ ફીડબેક માટે કુલ 9940 પ્રતિક્રિયાઓ મળી હતી.
સર્વેમાં એઈમ્સના કાર્ડિયોલોજી વિભાગને સૌથી સારી પ્રતિક્રિયાઓ મળી છે. આ વિભાગમાં સારવાર કરાવવા આવેલા 84 ટકા દર્દીઓએ અસંતોષ વ્યક્ત કર્યો. કાર્ડિયોલોજી વિભાગ હોસ્પિટલના સૌથી વ્યસ્ત વિભાગો માંથી એક છે. એ જ રીતે 80 ટકા દર્દીઓ આઈ કેરની સુવિધાઓથી સંતુષ્ટ રહ્યાં. બાળ રોગ અને મનો રોગ વિભાગમાં આવેલા અંદાજે 80 ટકા દર્દીઓએ પણ વિભાગમાં મળી રહેલી સુવિધાઓ પર સંતોષ વ્યક્ત કર્યો છે.