ઇન્દિરા ગાંધી આવશે તો પણ આર્ટિકલ 370 લાગુ નહીં થાયઃ શાહ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં નવી સરકારની રચના બાદ આર્ટિકલ 370ને લઈને ખેંચતાણ જારી છે. કેન્દ્ર શાસિત પ્રદેશની ઓમર અબદુલ્લા સરકાર સતત એવું કહી રહી છે કે અમે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પાછી લાવીને રહીશું. આ મુદ્દે રાજ્યની વિધાનસભામાં પણ ઘણી વખત ગરમાગરમીની સ્થિતિ બની ચૂકી છે. હવે આ મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોઈ ઝાટકીને કહ્યું હતું કે  કોઈ પણ કિંમતે  જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની વાપસી નહીં થશે.

મહારાષ્ટ્રના ધુળે જિલ્લાના સિંધખેડામાં ચૂંટણી રેલીને સંબોધન કરતાં શાહે કહ્યું હતું કે કોઈ પણ કિંમત પર જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની વાપસી નહીં થશે. તેમણે આગળ કહ્યું હતું કે મહાયુતિનો અર્થ છે ‘વિકાસ’ અને અઘાડી (મહાવિકાસ અઘાડી)નો અર્થ છે ‘વિનાશ’. હવે તમારે નક્કી કરવાનું છે કે વિકાસ કરનારાને સત્તામાં લાવવા છે કે વિનાશ કરનારાને.’

તેમણે વધુમાં કહ્યું હતું કે રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની વાપસીની વાત કરી રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી તો શું જો ઈન્દિરા ગાંધી પણ સ્વર્ગમાંથી ઊતરી આવશે તો પણ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની વાપસી નહીં થાય.

ભૂતપૂર્વ PM મનમોહન સિંહ પર નિશાન સાધતાં શાહે કહ્યું હતું કે PM મોદીએ દેશને સમૃદ્ધ અને સુરક્ષિત બનાવ્યો છે. મનમોહન સિંહના સમયમાં ભારત વિશ્વ અર્થવ્યવસ્થાની યાદીમાં 11મા સ્થાને હતું, પરંતુ મોદીએ દેશને પાંચમા સ્થાને લાવી દીધો છે. 2027માં ભારતીય અર્થતંત્ર વિશ્વનું ત્રીજું સૌથી મોટી અર્થતંત્ર હશે. અઘાડી લોકો (મહા વિકાસ આઘાડી) ખોટા વાયદા કરે છે.