વડાપ્રધાન સાથે બેઠક પહેલા કોંગ્રેસ મુખ્યમંત્રીઓનું વલણ

નવી દિલ્હીઃ કોરોના સંક્રમણથી બચવા માટે સરકારે આખા દેશમાં 3 મે સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદી કોરોના વાયરસના પ્રકોપ અને લોકડાઉનની સ્થિતિ પર 27 એપ્રીલના રોજ સવારે દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંવાદ કરશે. જો કે, વડાપ્રધાન મોદીની બેઠક પહેલા જ રાજનૈતિક ઉથલ-પાથલ શરુ થઈ ગઈ છે. કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ સીડબલ્યૂસીની મીટિંગમાં કેન્દ્ર વિરુદ્ધ પોતાનું વલણ દેખાડ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના નેતૃત્વમાં સીડબલ્યૂસીની થયેલી બેઠકમાં પંજાબ, છત્તિસગઢ, રાજસ્થાન અને પુદુચેરીના મુખ્યમંત્રીઓએ કેન્દ્ર પાસેથી નાણાકીય પેકેજની માંગ કરતા કહ્યું કે, જો મોદી સરકાર રાજ્યોનો સહયોગ નહી કરે તો કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈ કમજોર બની જશે. સંયુક્ત રુપથી નાણાકીય સહાયતા ન આપવાનો આરોપ લગાવતા મોદી સરકાર પર કોંગ્રેસ મુખ્યમંત્રીઓએ પ્રહાર કર્યા.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યું કે, જો કેન્દ્ર સરકાર રાજ્યોની નાણાકીય મદદ કરવા માટે આગળ નહી આવે તો લોકડાઉન બાદ રાજ્યોમાં સ્થિતિ કઈ રીતે સામાન્ય થઈ શકશે. ગહેલોતે સંસાધનોની કમીને લઈને કેન્દ્ર સરકાર પાસેથી ટેસ્ટિંગ કીટ, પીપીઈ કીટ, વેન્ટિલેટર સહિત અન્ય સંસાધન ખરીદીને રાજ્યોને આપવાની અપીલ કરી. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે જે ટેસ્ટ કીટ રાજ્ય સરકારને આપી છે તેમાં ગડબડ છે. આનાથી ટેસ્ટના પરિણામો સચોટ આવી રહ્યા નથી.

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે સીડબલ્યૂસીની બેઠકમાં બે મુદ્દા ઉઠાવ્યા હતા. કેપ્ટને કહ્યું કે, પંજાબને ચીનથી આવેલી માત્ર 10,000 રેપિડ ટેસ્ટિંગ કીટ આપવામાં આવી છે. કેપ્ટને આ કીટની ગુણવત્તા પર પણ સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે આ કીટની પ્રામાણિકતા સાબિત થવાની હજી બાકી છે.

છત્તિસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે, બીજા રાજ્યોમાં ફસાયેલા વિદ્યાર્થીઓ અને પ્રવાસી મજૂરોનો વિષય દરેક રાજ્ય માટે ચિંતાની વાત છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારને આ મામલે નિતિ બનાવવી જોઈએ પરંતુ દુર્ભાગ્યવશ તેઓ આ મુદ્દે ચુપ છે. પુદુચેરીના મુખ્યમંત્રી સીએમ વી.નારાયણસ્વામીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે રાજ્યોને કોઈ સહાયતા આપી નથી. અમે દુશ્મન નથી અને આપણે સાથે મળીને કામ કરવું જોઈએ.

સોનિયા ગાંધી સાથે બેઠકમાં કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ કેન્દ્ર સરકારના પ્રયાસોને અપૂરતા ગણાવતા જે પ્રકારે પોતાનું વલણ દર્શાવ્યું છે તેનાથી માનવામાં આવી રહ્યું છે કે, સોવારના રોજ કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પોતાના આ વલણને વડાપ્રધાન સામે રજૂ કરી શકે છે.

હકીકતમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી રાજ્યમાં કોરોનાને લઈને વિશ્વાસમાં લીધા વગર જ મોકલવામાં આવેલી કેન્દ્રીય ટીમના મામલાથી નારાજ છે. ટીએમસી અને ભાજપ એકબીજા પર સતત આરોપ લગાવી રહ્યા છે. ત્યારે આવામાં ટીએમસીની મોદી સરકાર સામે જીએસટીની બાકી રકમ ચૂકવણી અને કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવેલી ટેસ્ટ કીટને લઈને પણ ફરિયાદ છે.

તો, મહારાષ્ટ્રના પાલઘરના મુદ્દે રાજકારણ ગરમાયું છે. ત્યારે આવામાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવાની તૈયારીમાં છે. પ્રવાસી મજૂરોને પાછા તેમના ગૃહરાજ્યમાં મોકલવાની માંગ અને રેલ સેવાઓ ખોલવાની વાત સતત ઉઠાવી રહ્યા છે. આશા રાખવામાં આવી રહી છે કે, ઉદ્ધવ ગરીબો, મજૂરો, પ્રવાસી કામદારો સાથે-સાથે વડાપ્રધાન મોદી સામે આ મુદ્દો પણ મૂકી શકે છે.