નવી દિલ્હીઃ દેશના આર્થિક વિકાસદરને લઈને અત્યારે ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. એક કાર્યક્રમમાં વર્તમાન આર્થિક વિકાસદરને જોતા ભારત પાંચ લાખ કરોડની અર્થવ્યવસ્થા કેવી રીતે બનશે તેના સવાલ પર પિયૂષ ગોયલે કેન્દ્રીય રેલવે પ્રધાન પીયૂષ ગોયલે એ પ્રકારે ઉત્તર આપ્યો કે તેમના ઉત્તરથી, ન્યૂટન, આઈનસ્ટાઈન ભારતના ટ્વીટર પર ટ્રેન્ડીંગમાં આવી ગયા અને યૂઝર્સે ટ્વીટર પર પીયૂષ ગોયલની પણ ઝાટકણી કાઢી…પીયૂષ ગોયલે કહ્યું કે, આપ એ હિસાબમાં ન પડશો કે જે ટીવી પર જોવો છો કે 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા માટે દેશને 12 ટકાની ગતીથી આગળ વધવું પડશે. અત્યારે તે 6 ટકાની ગતીથી આગળ વધી રહી છે. આ પ્રકારના હિસાબોમાં ન પડશો. આ પ્રકારના ગણિતથી આઈનસ્ટાઈનને ગુરુત્વાકર્ષણની શોધમાં મદદ નથી મળી. જો તમે માત્ર બનાવી કાઢેલા ફોર્મ્યુલાઓ અને ભૂતકાળના જ્ઞાનથી આગળ વધો તો, મને નથી લાગતું કે દુનિયામાં આટલી બધી શોધ થાત.
હકીકતમાં જે ગુરુત્વાકર્ષણની શોધની વાત પીયૂષ ગોયલે કરી, તે સિદ્ધાંતની શોધ ન્યૂટને કે આઈનસ્ટાઈને નહોતી કરી. આઈનસ્ટાઈન જર્મનીમાં જન્મેલા એક સૈદ્ધાંતિક ભૌતિકવિદ હતા, જેમણે સાપેક્ષતાનો સિદ્ધાંત અને પ્રકાશની ક્વોન્ટમ થીયરી આપી હતી. તેમણે દ્રવ્યમાન અને ઉર્જા વચ્ચે સમીકરણ E = mc2 પ્રમાણિત કર્યું. આ એક ખૂબ પ્રચલિત સમીકરણ છે કે જેનો પરમાણુ ઉર્જા માટે પણ ઉપયોગ થયો. તેમને ભૌતિક વિજ્ઞાનમાં નોબલ પ્રાઈઝથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અલ્બર્ટ આઈનસ્ટાઈન 14 માર્ચ 1879માં જર્મનીના એક સાધારણ પરિવારમાં જન્મ્યા હતા. જેમાં તેમના પિતા વિજળીના સામાનનું એક નાનકડું કારખાનું ચલાવતા હતા અને માં ઘર સંભાળતી હતી.
તો આઈઝેક ન્યૂટન ઈંગ્લેન્ડના વૈજ્ઞાનિક હતા, જેમણે ગુરુત્વાકર્ષણના નિયમ અને ગતિના સિદ્ધાંતની શોધ કરી હતી. ગુરુત્વાકર્ષણની શોધ માટે વૃક્ષ પરથી પડતા સફરજનમાંથી પ્રેરણા જે લીધી તે ઘટના જાણીતી છે. ન્યૂટન એક ગણિતજ્ઞ, ભૌતિક વૈજ્ઞાનિક અને દાર્શનિક હતા. તેમનો જન્મ 25 ડિસેમ્બર 1642માં થયો હતો.
પીયૂષ ગોયલના નિવેદન પર સોશિયલ મીડિયા પર એટલી પ્રતિક્રિયાઓ જોવા મળી, કે સાંજ થતા થતા ભારતના ટ્વિટર ટ્રેન્ડમાં આઈનસ્ટાઈન પ્રથમ નંબર પર, પીયૂષ ગોયલ બીજા નંબર પર અને ત્રીજા નંબર પર ન્યૂટન આવી ગયા.
એક યૂઝરે એક મીમ શેર કરતા લખ્યું કે, પીયૂષ ગોયલ આઈનસ્ટાઈન અને ન્યૂટન વચ્ચે તફાવત શોધી રહ્યા છે. જો કે ત્યારબાદ પીયૂષ ગોયલે સ્પષ્ટતા પણ કરી કે, મને એ વાતનું દુઃખ છે કે મારી વાતના સંદર્ભ સુધી પહોંચવાની જગ્યાએ, ખોટી ખોટી રીતે વાતને સમજવામાં અને ફેલાવવામાં આવી રહી છે. તેમની આ સ્પષ્ટતાની પણ સોશિયલ મીડિયા પર ટીકાઓ થઈ રહી છે. એક યૂઝરે લખ્યું છે કે સ્પષ્ટતાતો વધારે ખરાબ છે.
બુધવારના રોજ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ઓટો સેક્ટરમાં દેખાઈ રહેલી મંદી માટે યુવાનોની વિચારધારામાં આવેલા બદલાવને જવાબદાર ગણાવ્યો હતો, આના માટે તેમને પણ સોશિયલ મીડિયા પ્રર તીખી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. નાણાપ્રધાને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી પર બીએસ6 અને લોકોની વિચારધારામાં આવેલા બદલાવની અસર પડી છે, લોકો હવે ગાડી ખરીદવાની જગ્યાએ ઓલા અને ઉબરને પ્રાયોરિટી આપી રહ્યા છે.