મણિપુર અને આસામ સહિત પૂર્વોત્તર ભારતમાં ભૂકંપના આંચકા

મણિપુર સહિત સમગ્ર પૂર્વોત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે વહેલી સવારે 5.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જ્યારે બપોરે 12:20 કલાકે ફરી 4.1ની તીવ્રતાના આંચકા અનુભવાયા. ભૂકંપનું કેન્દ્ર મણિપુરના ઈમ્ફાલ શહેરમાં 10 કિમી ઊંડાણમાં હોવાનું યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (USGS)એ જણાવ્યું. ભૂકંપના કારણે મણિપુર, આસામ અને મ્યાંમારમાં પણ ધ્રૂજારી અનુભવાઈ હતી, જેને કારણે લોકો ડરના માર્યા ઘરોમાંથી બહાર દોડી આવ્યા.

અધિકારીઓ અનુસાર, હાલ કોઈ જાનહાની કે નુકસાનની જાણ થઈ નથી, પરંતુ ભૂકંપના કારણે કેટલાક વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ છે. મ્યાંમાર-ભારત સરહદ નજીક પણ ભૂકંપ નોંધાયો છે, જેની તીવ્રતા 5.8 હતી. હાલમાં નેપાળ સહિતના પડોશી રાજ્યોમાં પણ ભૂકંપની ગતિવિધિઓ વધી રહી છે. 28 ફેબ્રુઆરીએ નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના આંચકા બિહાર, સિલીગુડી અને અન્ય પડોશી વિસ્તારોમાં પણ અનુભવાયા હતા. ગત અઠવાડિયાથી ભૂકંપી ગતિવિધિઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, જેના કારણે હવામાન અને ભૂગર્ભ વિજ્ઞાન તંત્ર દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે.