નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં થયેલી હિંસામાં 32 લોકોના મોત થયા છે અને ગઈકાલે તો માહોલ શાંત રહ્યો પરંતુ કેટલીક દુકાનોમાં આગ લગાવી દેવામાં આવી અને ગુપ્તચર બ્યૂરોના એક કર્મચારીનો મૃતદેહ નાળામાંથી મળી આવ્યો. પોલીસે ફ્લેગ માર્ચ કરી અને સોમવારની રાતથી ભડકેલી હિંસા પર લગામ લગાવવા માટે રાધાની દિલ્હીના ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં સુરક્ષા દળો દરેક જગ્યાએ ગોઠવાઈ ગયા. દિલ્હીમાં હિંસાની ઘટનાઓ બાદ પોતાની પ્રથમ પ્રતિક્રિયામાં વડાપ્રધાન મોદીએ લોકોને શાંતિ અને ભાઈચારો રાખવા માટે અપીલ કરી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેમણે રાષ્ટ્રીય રાજધાનીમાં વર્તમાન સ્થિતિની ગહન સમીક્ષા કરી છે. તેમણે કહ્યું કે, એ મહત્વપૂર્ણ છે કે જલ્દી શાંતિ અને સામાન્ય સ્થિતિ બને.
- વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, દિલ્હીના વિભિન્ન ભાગોમાં વર્તમાન સ્થિતિની ગહન સમીક્ષા કરી. પોલીસ અને અન્ય એજન્સીઓ સામાન્ય સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે. મોદીએ કહ્યું કે, આપણા સંસ્કારના મૂળમાં શાંતિ, સોહાર્દ છે. હું દિલ્હીના બહેનો અને ભાઈઓને શાંતિ અને ભાઈચારો બનાવી રાખવા માટે અપીલ કરું છું.
- રાજધાની દિલ્હીમાં સ્થિતિ નિયંત્રિત કરવાનું કામ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને આપવામાં આવ્યું છે. ડોભાલે જે-તે વિસ્તારમાં જઈને સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી છે. તેમણે જ કહ્યું કે, જલ્દી જ શાંતિ સ્થપાશે. દિલ્હી પોલીસના અધિકારી અમૂલ્ય પટનાયક તેમજ નવ નિયુક્ત સ્પેશિયલ કમિશનર એસ.એન.શ્રીવાસ્તવ સાથે તેમણે સ્થિતિની સમીક્ષા કરી હતી.
- આ વચ્ચે દિલ્હી પોલીસે કહ્યું કે, હિંસામાં કથિત ભાગીદારીને લઈને 106 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 18 પ્રાથમિક ફરિયાદો નોંધવામાં આવી છે. એડિશનલ પોલીસ કમિશનર મનદીપ સિંહ રંધાવાએ માહિતી આપતા કહ્યું કે, બુધવારના રોજ કોઈ અઘટિત ઘટના સામે આવી નથી અને ઉત્તર પૂર્વ દિલ્હીથી પીસીઆર કોલ ઓછા થયા છે. હિંસાના ત્રીજા દિવસે મૃતકની સંખ્યા વધીને બુધવારના રોજ 27 થઈ ગઈ હતી. જો કે આજે હોસ્પિટલ દ્વારા મળેલી જાણકારી અનુસાર ચાર વધારે લોકોના મોત થયા છે. ત્યારે આવામાં હિંસામાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 32 જેટલી થઈ ગઈ છે. મૃતકોની સંખ્યા અથવા 200 લોકો ઘાયલ થવાનો આંકડો પોલીસ વિભાગને મળ્યો નથી પરંતુ હોસ્પિટલના અધિકારીઓ પાસેથી આ માહિતી મળી છે.
- ઉત્તર પૂર્વ દિલ્હીની સ્થિતિને ખતરનાક ગણાવતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, સ્થિતિ ચિંતાજનક છે અને પોલીસના તમામ પ્રયત્નો છતા પણ સ્થિતિ સંભાળવામાં અને લોકોને ભરોસો કાયમ કરવામાં નિષ્ફળ રહી છે.
- અધિકારીએ જણાવ્યું કે, ગુપ્તચર બ્યૂરોના એક કર્મચારીનો મૃતદેહ ચાંદબાગ વિસ્તારમાં નાળામાંથી મળી આવ્યો છે કે જ્યાં તેઓ રહેતા હતા. તેમની ઓળખ અંકિત શર્મા તરીકે થઈ છે. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે શર્માનું મૃત્યુ પથ્થરમારામાં થયું હશે. તેમણે હિંસામાં માર્યા ગયેલા દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ રતન લાલના પરિવારને એક કરોડ રુપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.
- સંવેદનશીલ વિસ્તારમાં શાળા અને દુકાનો બંધ રહ્યા હતા. રસ્તાઓ પર સન્નાટો છવાયો છે. પોલીસે જાહેરાત કરી છે કે, કોઈને પણ પોતાના ઘરથી બહાર ન નિકળવું. અધિકારીઓએ જણાવ્યું કે ગુરુવારના રોજ થનારી બારમા ધોરણની સીબીએસઈ બોર્ડની અંગ્રેજીની પરિક્ષા રદ્દ કરવામાં આવી છે. ચાંદ બાગમાં મોટા પાયે સુરક્ષા દળોને તેનાત કરવામાં આવ્યા છે અને કોઈપણને બહાર આવવા દેવામાં આવી રહ્યા નથી.
- ગોકલપુરીમાં લોકોએ દુકાનોને આગ લગાવી જેનાથી આકાશમાં ધુમાડાના જાણે વાદળો બંધાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. દુકાનોની સાથે લોકોની આજીવિકા પણ લૂંટાઈ ગઈ છે. કેટલાય લોકો પોતાનું ઘર છોડ્યું છે. તેમાંથી એક પરિવાર હતો કે જેણે પાછું આવવાનું કહ્યું પરંતુ ક્યારે પાછું અવાશે તે નક્કી નથી.
- દિલ્હી હિંસા માટે કેન્દ્ર અને દિલ્હી સરકારને જવાબદાર ગણાવતા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ઉત્તર-પૂર્વી દિલ્હીમાં હિંસાને લઈને બુધવારના રોજ ગૃહમંત્રી અમિત શાહને રાજીનામું આપવાનું કહ્યું. તેમણે કહ્યું કે, આનું ષડયંત્ર દિલ્હી ચૂંટણી સમયે જ દેખાયું હતું અને ભાજપા નેતાઓએ ધૃણાસ્પદ ભાષણ આપ્યા અને ડરનો માહોલ બનાવ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, દિલ્હીમાં થયેલી હિંસા માટે અમિત શાહે જવાબદારી લેવી જોઈએ અને તેમણે પદ પરથી રાજીનામું આપવું જોઈએ. બીજી બાજુ મામલાનું રાજનીતિકરણ કરવા માટે ભાજપે સોનિયા ગાંધીની ટીકા કરી છે.
- ઉલ્લેખનીય છે કે, ઉત્તર પૂર્વી દિલ્હીમાં સંશોધિત નાગરિકતા કાયદાનું સમર્થન કરનારા અને વિરોધ કરનારા સમૂહો વચ્ચે સંઘર્ષે સાંપ્રદાયિક રંગ લઈ લીધો હતો. ઉપદ્રવિઓએ ઘણા ઘરો, દુકાનો તેમજ વાહનોમાં આગ લગાવી દિધી અને એક-બીજા પર પથ્થરમારો કર્યો.