નવી દિલ્હી: ઉત્તર-પૂર્વ દિલ્હીમાં છેલ્લા થોડા દિવસોમાં લોકોએ મોતનું તાંડવ જોયું. લોકો એક બીજાનો જીવ લેવા દોડતા હતા આ બધા વચ્ચે કેટલાક લોકો એવા પણ હતા, જેમણે ધર્મને એક બાજુમાં મૂકીને માણસાઈ દેખાડી અને લોકોની મદદે દોડયા. દિલ્હી હિંસાને લઈને એક તરફ રાજનીતિ થઈ રહી છે તો બીજી તરફ હિંસાગ્રસ્ત વિસ્તારોમાંથી એવી કહાનીઓ સામે આવી રહી છે જે ઘણુ બધુ કહી જાય છે. એક એવો વર્ગ પણ છે કે, જે નફરતને ભૂલાવીને ભાઈચારો નિભાવવામાં કોઈ કસર નથી છોડતા. અશોકનગર વિસ્તારમાં કેટલાક હિંન્દુઓએ મસ્જિદને હિંસાખોરોથી બચાવવા માટે તેમની સાથે હાથ જોડયા.
મુસ્લિમ પડોશીને બચાવ્યા પ્રેમાકાંતે
પ્રેમાકાંત જણાવે છે કે, શિવ વિહારમાં હિન્દુ-મુસ્લિમો સૌહાર્દ સાથે રહે છે. પણ અહીં ફેલાયેલી હિંસા પછી સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. પેટ્રોલ બોમ્બથી લોકોના ઘર સળગાવવામાં આવી રહ્યા હતા. આ દરમ્યાન તેમના એક મુસ્લિમ પડોશીના ઘરમાં હિંસાખોરોએ આગ લગાવી દીધી. તેમના મુસ્લિમ પડોશીને બચાવ પ્રેમકાંત પોતે દાઝી ગયા. પ્રેમકાંત કહે છે કે, ભલે દાઝી ગયા પણ તેમના મિત્રની માતાને બચાવવામાં સફળ રહ્યા એ વાતની ખુશી છે.
દિલબર નેગીએ અંતિમ સંસ્કાર માટે મુસ્લિમોની કરી મદદ
પોતાના પરિવારને ગરીબીમાંથી બહાર કાઢવાનું સપનું લઈને 20 વર્ષના દિલબર 6 મહિના પહેલા ઉત્તરાખંડથી દિલ્હી આવ્યા હતા. હિંસાખોરોએ દિલબરને ખરાબરીતે માર માર્યો અને સળગાવી દીધા. દિલબરના શબને ઉત્તરાખંડ લઈ જવા માટે પરિવાર પાસે પૈસા ન હતા તેથી તેમણે દિલબરના અંતિમ સંસ્કાર દિલ્હીમાં જ કરવાનો નિર્ણય લીધો. તેમના અંતિમ સંસ્કાર માટે પણ અનેક મુસ્લિમોએ આર્થિક મદદ કરી.
ખજૂરી ચોક પહેલા પહેલા લગભગ 100થી વધુ હિંસાખોરોએ બસને ઘેરી હતી. હિંસાખોરોએ બસમાં આગ ચાંપવાની ધમકી આપી અને સાઈડમાં રોકવા કહ્યું. માર્શલ ગુલશન કુમારે ડ્રાઈવરને કહ્યું કે તમે ધીમે ધીમે બસ ચલાવતા રહો અને યૂ-ટર્ન પર લઈ જાઓ. હું આ લોકોને વાતોમાં વ્યસ્ત રાખુ છું. જેવા હિંસાખોરો માર્શલની વાતો સાંભળવામાં રહ્યા ત્યાં સુધીમાં માર્શલ બસને યૂ-ટર્ન કરાવી લીધી અને ત્યાંથી બસને એકદમ સ્પીડે બસને ભગાડતા શાસ્ત્રી પાર્ક રેડ લાઈટ પર લઈ ગયા.