નવી દિલ્હીઃ કેજરીવાલ સરકારે એક મોટો નિર્ણય લેતા નક્કી કર્યું છે કે તે જેએનયૂ દેશવિરોધી નારેબાજી મામલે દેશદ્રોહનો કેસ ચલાવવાની અનુમતી દિલ્હી પોલીસને નહી આપે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલ્હીના ગૃહ પ્રધાન સત્યેન્દ્ર જૈને આ મામલે પોતાની ભલામણ રજૂ કરી છે. તેમનું કહેવું છે કે પોલીસે જે પૂરાવા રજૂ કર્યા છે તેનાથી કન્હૈયા કુમાર, ઉમર ખાલિદ સહિત અન્ય આરોપી છાત્રો પર દેશદ્રોહનો કેસ નથી બનતો.
વર્ષ 2016ના આ મામલામાં જેએનયૂના પૂર્વ છાત્ર સંઘ અધ્યક્ષ કનૈયા કુમાર અને નવ લોકો પર દેશદ્રોહનો કેસ લગાવવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે કોઈપણ વ્યક્તિ પર દેશદ્રોહનો મુકદ્દમો ચલાવવા માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી પડે છે. માત્ર પોલીસની ચાર્જશીટ પર કોર્ટ સંજ્ઞાન ન લઈ શકે. આવામાં સરકારની મંજૂરી ન હોવા પર દેશદ્રોહની ધારા રદ્દ થઈ જાય છે.
હવે મીડિયા રિપોર્ટ્સમાં એ વાત સામે આવી રહી છે કે દિલ્હી સરકાર કનૈયા કુમાર અને અન્ય પર દેશદ્રોહનો કેસ ચલાવવાની મંજૂરી નહી આપે. પ્રાપ્ત વિગતો અનુસાર દિલ્હી સરકારના આ વિચારથી કોર્ટ, દિલ્હી પોલીસ અને ઉપરાજ્યપાલ તમામને અવગત કરાવવામાં આવ્યા છે.