દિલ્હીઃ પરિણામો પછી રાજીનામા ધરવાની નૌટંકી શરૂ

નવી દિલ્હી: દિલ્હીમાં ભાજપને મળેલી હાર પછી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ રાજીનામાના ઓફર કરી છે. જોકે પાર્ટી હાઈકમાન્ડે મનોજ તિવારીની ઓફરનો જવાબ આપતા કહ્યું કે, હાલ  રાજીનામાની કોઈ જ જરૂર નથી. મહત્વનું છે કે, દિલ્હી વિધાનસભાની 70 બેઠકોમાંથી ભાજપને માત્ર 8 બેઠકો મળી છે અને ફરી એક વખત આમ આદમી પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે.

 

ચૂંટણી પરિણામો પછી રાજીનામાનો દોર શરુ થયો છે. પહેલા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચોપરાએ હારની જવાબદારી સ્વીકારતા પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ચૂંટણીના પરિણામો આવ્યા બાદ બુધવારે મનોજ તિવારીએ પાર્ટી ઓફિસ ખાતે જીતેલા ઉમેદવારો સાથે મુલાકાત પણ કરી હતી.

મનોજ તિવારીએ ટ્વીટ કરીને આમ આદમી પાર્ટીને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતાં. દિલ્હીમાં ભાજપના નેતાઓનો રિપોર્ટ કાર્ડ પર નજર કરીએ તો સૌથી સારુ પ્રદર્શન સંસદીય બેઠક ઉત્તર પૂર્વ દિલ્હીમાં મનોજ તિવારીનું રહ્યું છે. અહીં રોહતાસ નગર, કરાવલ નગર અને ઘોંડા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી છે. તો બીજી તરફ ગૌતમ ગંભીરની સંસદીય બેઠક પૂર્વ દિલ્હી લોકસભામાં લક્ષ્મી નગર, વિશ્વાસ નગર અને ગાંધી નગરની ત્રણ વિધાનસભા બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી છે.