નવી દિલ્હી- તાજેતરમાં જ પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા આત્મઘાતી હુમલા બાદ કેન્દ્ર સરકારે જવાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી અર્ધલશ્કરી દળોના જવાનોને શ્રીનગર જવા આવવા માટે હવાઈ મુસાફરીની સુવિધા મળશે.
ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આદેશ અનુસાર દિલ્હી-શ્રીનગર, શ્રીનગર-દિલ્હી, જમ્મુ-શ્રીનગર અને શ્રીનગર-જમ્મુની વચ્ચે કોઈ પણ પ્રકારની મુસાફરી માટે અર્ધલશ્કરી દળોના જવાનો વિમાન મુસાફરી કરી શકશે. કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળોના તમામ જવાનો પર આ આદેશ લાગુ થશે.
આ આદેશથી અર્ધલશ્કરી દળના 7,80,000 જવાનોને લાભ થશે. જેમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈથી લઈને અન્ય એ તમામ જવાનોનો સમાવેશ થાય છે, જેમને અત્યાર સુધી હવાઈ મુસાફરીની સુવિધા આપવામાં આવતી ન હતી.
ગૃહ મંત્રાલયે આ નિર્ણયને તાત્કાલિક ધોરણે લાગુ કરવા આદેશ આપ્યો છે. આદેશ અનુસાર જવાનો ચાલુ ડ્યૂટી દરમિયાન યાત્રા કરવા ઉપરાંત રજા પરથી શ્રીનગરથી પરત જવા કે પરત આવવા માટે પણ હવાઈ મુસાફરીની સુવિધાનો ઉપયોગ કરી શકશે.
પુલવામા માં થયેલા આતંકી હુમલાની ચોતરફ નિંદા થઈ રહી છે. સાથે સાથે સરકાર પર પણ સવાલો ઉઠી રહ્યાં છે કે, કેટલાક સરંક્ષણ નિષ્ણાંતોએ એવા પણ સવાલો ઉઠાવ્યા છે કે, આ જવાનોને જમીન માર્ગની બદલે હવાઈ માર્ગે શા માટે મોકલવામાં નહતા આવી રહ્યાં. જમીન માર્ગની સરખામણીએ હવાઈ મુસાફરી ઓછા સમયમાં અને વધુ સુરક્ષિત રીતે પૂર્ણ થઈ શકે છે.
સીઆરપીએફના જવાનો પર થયેલા આત્મઘાતી હુમલા પછી ગૃહપ્રધાન રાજનાથ સિંહે શ્રીનગરની મુલાકાત લીધી હતી. તેમણે ત્યાં જાહેરાત કરી હતી કે, જમ્મુ-કશ્મીરમાં મોટી સૈન્ય ટુકડીની જાવક દરમિયાન સામન્ય લાકોના ટ્રાફિકને થોડા સમય માટે રોકી રાખવમાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે, સામાન્ય નાગરીકોને થોડા સમય માટે અસુવિધા થઈ શકે છે, તે બદલ અમે માફી માંગીએ છીએ.