ભૂવનેશ્વર/કોલકાતાઃ અત્યંત ઉગ્ર ચક્રવાતી વાવાઝોડું ‘યાસ’ આજે બપોરે 12.30 વાગ્યે ઉગ્ર ચક્રવાતી વાવાઝોડાના રૂપમાં નબળું પડી ગયું હતું. વાવાઝોડું ઓડિશાના ઉત્તરીય કાંઠાવિસ્તાર પર હતું ત્યારે એ નબળું પડ્યું હતું. તે ઉત્તર-વાયવ્ય દિશામાં ઝારખંડની તરફ આગળ વધ્યું હતું, પરંતુ થોડા જ કલાકોમાં વધારે નબળું પડશે એવી ભારતીય હવામાન વિભાગની આગાહી છે. બપોરે બે વાગ્યાના સમયે પણ ઓડિશાના કાંઠાળ વિસ્તારોમાં પવનની ગતિ પ્રતિ કલાક 110-130 કિ.મી. જેટલી હતી. ઓડિશાના કિઓનજાર જિલ્લાના પાંચુપાલી ગામમાં એક ઝાડ પડવાથી 50 વર્ષની વયના એક પુરુષનું મૃત્યુ થયું હતું.
વાવાઝોડું આજે સવારે 10.30 અને 11.30 વાગ્યાની વચ્ચે ઓડિશાના બાલાસોરની 20 કિ.મી. દક્ષિણ બાજુએ સમુદ્રકાંઠા પર ત્રાટક્યું હતું. એ વખતે પવનની ગતિ પ્રતિ કલાક 130-140 કિ.મી.ની હતી. એ વખતે ભારે વરસાદ પડી રહ્યો હતો અને ઘણે સ્થળે વૃક્ષો ઊખડી ગયાં છે. ‘યાસ’ને કારણે પશ્ચિમ બંગાળમાં દરિયાકિનારાના કેટલાય કિલોમીટર સુધી દુકાનો અને ઘરોમાં પાણી ભરાઈ ગયાં છે. પશ્ચિમ બંગાળમાં પૂર્વ મિદનાપોર અને દક્ષિણ 24 પરગણાના તટીય વિસ્તારોમાં વાવાઝોડાને કારણે પાણી ભરાઈ ગયાં છે અને નદીઓમાં જળસ્તર વધી ગયું છે, એમ કોલકાતાના અધિકારીઓએ જણાવ્યું હતું.
ડોપલર રડાર ડેટા અનુસાર વાવાઝોડામાં 130-140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે અને આ પ્રક્રિયાને પૂરી થવામાં ત્રણ-ચાર કલાક સમય લાગશે. ઓડિશાના વિશેષ રાહત કમિશનર પી. કે. જેનાએ જણાવ્યું હતું કે વાવાઝોડું પહોંચવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. બાલાસોર અને ભદ્રક જિલ્લો સૌથી વધુ અસરગ્રસ્ત છે. આ જિલ્લાના ધામરામાં તેજ પવનો અને વરસાદને કારણે સમુદ્રનું સ્તર વધી ગયું છે. પાણી વધવાને કારણે રહેણાક વિસ્તારોમાં પાણી ઘૂસી રહ્યાં છે. પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુરના દીઘામાં સમુદ્રમાં ઊંચાં મોજાં ઊઠી રહ્યાં છે.
NDRFએ પાંચ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં 115 ટીમો તહેનાત કરી છે, જેમાં 52 ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં 45 ટીમો સામેલ છે. આ વાવાઝોડાને લીધે 38 ટ્રેનો રદ કરવામાં આવી છે. અત્યાર સુધી 10 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. આસામ, મેઘાલય, યુપી અને બિહારના કેટલાય વિસ્તારોમાં તોફાનને કારણે ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.