નવી દિલ્હી– ભારતીય અર્થતંત્ર હાલ મંદીના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આ સ્થિતિમાં અર્થવ્યવસ્થાને વધુ એક ઝાટકો લાગી શકે છે. હકીકતમાં બેંકિંગ સેક્ટરમાં ફરીથી લોન ડૂબવાનો (બેડ લોન) દોર શરુ થઈ શકે છે. તેની પાછળ NBFC (નોન બેંકિંગ ફાઈનાન્સ કંપની) અને અન્ય લોન આપતી કંપનીઓની ખરાબ ક્રેડિટ સ્થિતિને જવાબદાર માનવામાં આવે છે. રિઝર્વ બેંકે ગત 7 જૂને એક ફ્રેમવર્ક મારફતે બેંકોને ડૂબેલી લોનમાંથી રાહત આપવા માટે 2.4 લાખ કરોડ રૂપિયાનું ઋણ આપ્યું હતું.
મીડિયા રિપોર્ટ અનુસાર ઋણના 2.4 લાખ કરોડ રૂપિયામાંથી 70 ટકા રકમ ડૂબવાનો ખતરો છે. બેંકોની એનપીએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકગાળામાં 9.6 ટકા રહી છે. નાણાંકીય સેવા આપતી કંપની Credit Suisse ના વિશ્લેષણ અનુસાર દેશની અર્થવ્યવસ્થામાં એનપીએ ફરીથી વધીને 12 ટકાથી વધુ થઈ શકે છે.
Credit Suisse ના રિસર્ચ એનાલિસ્ટ આશીષ ગુપ્તાના અનુસાર ઈન્ટર ક્રેડિટર્સ એગ્રીમેન્ટ દ્વારા જાણકારી મળી છે કે, લોન ડૂબવાનો સમય ફરી આવી શકે છે. મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલી 16 કોર્પોરેટ કંપનીઓને આપવામાં આવેલા 2.4 લાખ કરોડ રૂપિયાના ઋણ પર સંકટ ઊભું થયું છે.
રિપોર્ટ અનુસાર જે કંપનીઓનું ઋણ ડૂબવાનો ખતરો છે, તેમનું વ્યાજ કવરેજ રેશિયો 1 ટકાથી પણ ઓછો છે, જ્યારે જૂનના ત્રિમાસિકમાં આ 42 ટકા હતો. જેથી કંપનીઓની વર્તમાન સ્થિતિને જોતા લોન ડૂબવાનો ખતરો વધુ રહેલો છે.
મહત્વનું છે કે, ભારતીય અર્થવ્યવસ્થા છેલ્લા 5 વર્ષ દરમિયાન સૌથી ધીમી ગતીએ આગળ વધી રહી છે. જેની અસર કંપનીઓના બિજનેસ પર જોવા મળી રહી છે. કંપનીઓની ક્રેડિટ પ્રોફાઈલ છેલ્લા 19 મહિના દરમિયાન સૌથી નીચા સ્તર પર પહોંચી ગઈ છે. તો આ તરફ લોન ક્વાલિટી ઈન્ડેક્સ પણ જૂન 2019માં ઘણો નીચે પહોંચી ગયો છે.