કેજરીવાલને કોર્ટે મોકલ્યા સમન્સઃ 16 માર્ચે હાજર થવાનો આદેશ

નવી દિલ્હીઃ દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે દિલ્હીના લિકર કૌભાંડ મામલે સમન્સનું પાલન નહીં કરવા માટે EDની બીજી ફરિયાદ પર દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને નવા સમન્સ જારી કર્યા છે.  હવે તેમને 16 માર્ચે હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

EDના સમન્સનું પાલન નહીં કરવાને કારણે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની વિરુદ્ધ કેસ ચલાવવા માટે કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં.દિલ્હી લિકર નીતિ મની લોન્ડરિંગ કેસમાં સમન્સનું પાલન નહીં કરવા માટે EDએ કોર્ટમાં બીજી ફરિયાદ દાખલ કરી હતી, જેના પર કોર્ટે પગલાં લીધાં હતાં.આ પહેલાં ED કેજરીવાલને આઠ સમન્સ જારી કરી ચૂકી છે, પરંતુ તેઓ એજન્સી સામે હાજર નથી થયા. કેજરીવાલે આ બધાં સમન્સોને ગેરકાયદે ગણાવ્યા છે. EDના સમન્સ ગેરકાયદે છે, પરંતુ એજન્સીને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સવાલોના જવાબ આપવા માટે તેઓ તૈયાર છે. જોકે EDના એક સૂત્રએ કહ્યું હતું કે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા પૂછપરછ કરવાની કોઈ જોગવાઈ નથી.રાઉઝ એવન્યુ કોર્ટનાં જજ દિવ્યા મલ્હોત્રાએ કેસમાં સુનવાવણી પછી કેજરીવાલને 16 માર્ચે હાજર થવા માટે કહ્યું છે, ED દ્વારા જારી કરવામાં આવેલા પ્રારંભના ત્રણ સમન્સથી સંબંધિત પાછલી ફરિયાદની સુનાવણી પણ 16 માર્ચે થવાની છે.

કેજરીવાલને અત્યાર સુધી 26 ફેબ્રુઆરી, 19 ફેબ્રુઆરી, બીજી ફેબ્રુઆરી, 18 જાન્યુઆરી, ત્રીજી જાન્યુઆરી, બીજી નવેમ્બર, 22 ડિસેમ્બર અને ચોથી માર્ચે અલગ-અલગ તારીખો પર આઠ સમન્સ જારી કરવામાં આવ્યા હતા, જેને કેજરીવાલે ગેરકાયદે ગણાવ્યા હતા.