દુઃખની ઘડીમાં દેશ PM મોદી સાથેઃ અનેક નેતાઓની શ્રદ્ધાજંલિ

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીનાં માતા હીરાબાનું નિધન થયું છે. તેમણે અમદાવાદના યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી હતી. દેશ-વિદેશના નેતાઓએ ટ્વિટર દ્વારા તેમને શ્રદ્ધાજંલિ આપી હતી.

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ વડા પ્રધાન મોદીનાં માતાને ટ્વીટ કરીને શ્રદ્ધાજંલિ આપી હતી.  તેમણે ટ્વીટ કરતાં લખ્યું હતું કે  વડા પ્રધાન  નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું સો વર્ષનું સંઘર્ષમય જીવન ભારતીય આદર્શોનું પ્રતીક છે.  મોદીજીએ ‘#માતૃદેવોભવ’ની ભાવના કેળવી અને હીરાબાનાં મૂલ્યોને પોતાના જીવનમાં ઘડ્યાં. પવિત્ર આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. પરિવાર પ્રત્યે મારી સંવેદના!

કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ હીરાબાને શ્રદ્ધાજંલિ આપતાં લખ્યું હતું કે મોદીના નિધન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. મોદીજીને તેમના પ્રિય માતાની ખોટ પર મોદીજી પ્રત્યે મારી દિલથી સંવેદના. આ દુ:ખની ઘડીમાં અમારી સંવાદનાઓ અને પ્રાર્થના પરિવાર સાથે છે.

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે પણ વડા પ્રધાનના માતા હીરાબાને શ્રદ્ધાજંલિ આપી હતી.

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ લખ્યું હતું કે હીરાબાનું સંઘર્ષમય અને સદાચારી જીવન હંમેશા પ્રેરણાદાયી છે, જેમના પ્રેમ અને અખંડિતતાએ દેશને સફળ નેતૃત્વ આપ્યું. માતાની વિદાય એ એક અપૂરતી ખોટ છે, આ ખાલીપણાને ભરવું અશક્ય છે.

યુપીના મુખ્ય મંત્રી યોગીએ ટ્વીટ કર્યું હતું કે એ પુત્ર માટે માતા જ દુનિયા હોય છે. માતાનું નિધન એ પુત્ર માટે અસહ્ય અને ભરપાઈ ન થઈ શકે તેવી ખોટ છે. પીએમ મોદીજીના પૂજ્ય માતાનું મૃત્યુ ખૂબ જ દુઃખદ છે. ભગવાન શ્રીરામ દિવંગત પવિત્ર આત્માને તેમનાં પવિત્ર ચરણોમાં સ્થાન આપે.

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ હીરાબાને શ્રદ્ધાજંલિ આપી હતી.

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહએ ટ્વીટ કર્યું હતું કે ભક્તિ, તપસ્યા અને કર્મની ત્રિવેણી. નરેન્દ્ર મોદીજી જેવા મહાન વ્યક્તિત્વનું સર્જન કરનાર માતાના ચરણોમાં નમન. આદરણીય માતા હંમેશા પ્રેરણા બની રહેશે.

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે પીએમ પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. તેમણે કહ્યું હતું કે હીરાબાની સાથે મોદીજીનો સંબંધ અમૂલ્ય અને અવર્ણનીય છે. હીરાબાના આત્માને શાંતિ મળે.

રાહુલ ગાંધીએ અને પ્રિયંકા ગાંધીએ લખ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માતા શ્રીમતી હીરાબાના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. આ મુશ્કેલ સમયે હું તેમને અને તેમના પરિવારને મારી સંવેદના અને પ્રેમ વ્યક્ત કરું છું.

વડાપ્રધાન મોદીની માતાના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. ભગવાન દિવંગત આત્માને પાવન ચરણોમાં સ્થાન આપે. મોદીજી અને તેમના પરિવારના સભ્યો દુઃખની આ ક્ષણોમાં હિંમત આપે.